Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

પંજાબ : ધાર્મિક કાર્યક્રમમાં ગ્રેનેડ હુમલો, ૩ મોત, અનેક ઇજાગ્રસ્ત

મોટરસાયકલ ઉપર આવેલા બે બુરખાધારી શખ્સોએ ગ્રેનેડો ઝીંક્યા : નિરંકારી ભવનમાં ગ્રેનેડ ઝીંકાતા દેશમાં ખળભળાટ : ઇજાગ્રસ્તો પૈકી અનેકની હાલત ગંભીર : મૃતકોના પરિવારને પાંચ-પાંચ લાખ આપવા માટેની જાહેરાત

અમૃતસર, તા. ૧૮ : પંજાબમાં અમૃતસરના રાજા સામસી વિસ્તારના એક ધાર્મિક  બેરા ઉપર આજે કરવામાં આવેલા ગ્રેનેડ હુમલાથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યો હતો. આ ગ્રેનેડ હુમલામાં ત્રણ લોકોના મોત થયા હતા. આ બ્લાસ્ટમાં ૨૦થી વધુ લોકો ગંભીરરીતે ઘાયલ થયા હતા. મોતનો આંકડો વધે તેવી દહેશત દેખાઈ રહી છે. ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફોરેન્સિક નિષ્ણાતો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને તપાસ ચાલી રહી છે. આ બ્લાસ્ટ બાદ પંજાબના તમામ શહેરો સહિત વિવિધ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. અમૃતસર નજીકના રાજા સામસી વિસ્તારમાં આ બ્લાસ્ટ કરાયો હતો. રાજા સામસી ગામના નિરંકારી ભવનમાં બપોરે બુરખાધારી મોટરસાયકલ પર આવેલા શખ્સોએ બે ગ્રેનેડો ઝીંક્યા હતા. ગ્રેનેડ ઝીંક્યા બાદ મોટરસાયકલ પર આવેલા શખ્સો ફરાર થઇ ગયા હતા. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી. નિરંકારી સમુદાયના લોકોમાં વ્યાપક દહેશત ફેલાઈ ગઈ હતી. બ્લાસ્ટ કરવામાં આવ્યો ત્યારે સત્સંગ કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને કાર્યક્રમમાં સેંકડો લોકો ઉપસ્થિત હતા. પોલીસ અને વહીવટી અધિકારી ઘટના સ્થળે પહોંચી ગયા છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે તરત હાથ ધરવામાં આવી હતી. હાલમાં જ પંજાબમાં આતંકવાદીઓ ઘુસી ગયા હોવાના અહેવાલ આવ્યા હતા જેના લીધે પંજાબમાં સુરક્ષા વ્યવસ્થા પહેલાથી જ મજબૂત રાખવામાં આવી હતી છતાં આજે નિરંકારી ભવનમાં બુરખાધારી મોટરસાયકલ પર આવેલા શખ્સોએ કઈરીતે હુમલો કર્યો તેને લઇને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઉંડી શોધખોળ તરત જ શરૂ કરવામાં આવી હતી. નિરંકારી ભવન અમૃતસરથી માત્ર ૭ કિલોમીટરના અંતરે સ્થિત છે જ્યાંથી આંતરરાષ્ટ્રીય સરહદથી અંદર માત્ર ૨૦ કિલોમીટર છે. આજે રવિવાર હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સત્સંગને લઇને નિરંકારી ભવનમાં ઉપસ્થિત રહ્યા હતા. નાકાબંધી કરીને બ્લાસ્ટ બાદ તરત શોધખોળ હાથ ધરવામાં આવી હતી. બીજી બાજુ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે અમૃતસર બોંબ બ્લાસ્ટ બાદ પીડિત પરિવારો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. અમરિન્દરસિંહે ટ્વિટ કરીને કહ્યું છે કે, અમારી સરકાર મૃતકોના પરિવારને પાંચ-પાંચ લાખ રૂપિયા અને ઘાયલ થયેલા લોકોની મફતમાં સારવાર કરાવશે. જિલ્લા વહીવટીતંત્રને તમામ પ્રકારની મદદ કરવા માટે તરત સૂચના આપવામાં આવી હતી. બીજી બાજુ અમૃતસરમાં બ્લાસ્ટ થયા બાદ ભારે અફડાતફડીનો માહોલ થઇ ગયો છે. કોંગ્રેસ અને ભાજપ દ્વારા પોતપોતાની પ્રતિક્રિયાઓ આપવામાં આવી છે. પંજાબમાં લાંબા સમય બાદ આ પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવ્યા બાદ લોકોમાં વ્યાપક દહેશત ફેલાઈ ગઈ છે. ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ એસએસ પરમારે માહિતી આપતા કહ્યું હતું કે, આ ધાર્મિક સત્સંગ કાર્યક્રમમાં ગ્રેનેડ ઝીંકવામાં આવ્યો ત્યારે ૨૫૦થી વધુ લોકો ઉપસ્થિત હતા. નજરે જોનારાઓના કહેવા મુજબ મોટરસાયકલ પર આવેલા બે શખ્સો પાસે પિસ્તોલ અને અન્ય વિસ્ફોટકો હતો. ઘટનાસ્થળેથી બ્લાસ્ટ કર્યા બાદ આ બંને તરત ફરાર થઇ ગયા હતા. પ્રાંગણમાં સીસીટીવી કેમેરા નહીં હોવાને લઇને પણ તપાસ કરવામાં આવી રહી છે. પંજાબના મુખ્યમંત્રીના કહેવા મુજબ ખામીઓમાં પણ તપાસ કરવામાં આવશે. તપાસ ઉપર નજર રાખવા માટે રાજ્ય ગૃહ સચિવ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

(8:52 pm IST)