Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

કેસરીને કોંગ્રેસે કઈરીતે ફેંકી દીધા તે કોઇ જ ન ભુલી શકે

સોનિયા ગાંધીને પક્ષ પ્રમુખ બનાવાયા : મોદી : દિલ્હીમાં પહેલા રિમોટ કન્ટ્રોલથી સરકાર ચાલતી હતી વિકાસ માટે દિલ્હીમાં લડાઈ લડવાની ફરજ પડતી હતી

મહાસમુંદ્ર,તા. ૧૮ : છત્તીસગઢમાં બીજા તબક્કાના મતદાન પહેલા આજે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા હતા. છત્તીસગઢમાં ફરી એકવાર ભાજપને સત્તા અપાવવા જોરદાર પ્રયાસમાં લાગેલા મોદીએ આજે કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા હતા. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીએ પણ વળતા પ્રહારો કર્યા હતા. મોદીએ છત્તીસગઢના મહાસમુંદમાં રેલીને સંબોધતા કહ્યું હતું કે, કોંગ્રેસના નેતા કયા કયા અધ્યક્ષ બન્યા તેમના નામો ગણાવી રહ્યા છે પરંતુ તેમના દ્વારા જે વાત કરવામાં આવી હતી તેનો જવાબ આપવામાં આવી રહ્યો નથી. તેમને પાંચ વર્ષ માટે પરિવારની બહારની વ્યક્તિને પક્ષ પ્રમુખ બનાવવાની વાત કરી હતી. એક પછાત નેતા સીતારામ કેસરીને અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. દેશના લોકો સાક્ષી છે કે, તેમને કઇ રીતે કોંગ્રેસ પાર્ટીએ ઉઠાવીને ફેંકી દીધા હતા અને તેમની જગ્યાએ સોનિયા ગાંધીને પક્ષ પ્રમુખ બનાવી  દેવામાં આવ્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમે મોદીના ચેલેન્જના જવાબમાં કોંગ્રેસના એવા અધ્યક્ષોના નામ આપ્યા હતા જે ગાંધી પરિવાર સાથે જોડાયેલા ન હતા. મોદીએ આજે આનો જ જવાબ આપ્યો હતો. છત્તીસગઢમાં ૨૦મી નવેમ્બરના દિવસે બીજા તબક્કા માટે મતદાન થનાર છે. રમણસિંહને ફરી સત્તા અપાવવા મોદી મોરચો સંભાળી ચુક્યા છે. મોદીએ ભાજપ સરકારને ફરી તક આપવા કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ ચૂંટણીને સામાન્યરીતે લેવાની જરૂર નથી. તેઓ યુવાનોને કહેવા માંગે છે કે, તેમના પિતા અને દાદાને જે પ્રકારની લાઇફ ગુજારવી પડી છે તે યાદ રાખવાની જરૂર છે. મનમોહનસિંહ સરકાર ઉપર રિમોટ કન્ટ્રોલની સરકાર હોવાનો આક્ષેપ કરતા મોદીએ કહ્યું હતું કે, આ પહેલા દિલ્હીમાં રિમોટ કન્ટ્રોલની સરકાર હતી જેથી વિકાસના કામો માટે રમણસિંહને દિલ્હીમાં લડાઈ લડવાની જરૂર પડતી હતી પરંતુ છેલ્લા ચાર વર્ષમાં સ્થિતિ બદલાઈ ગઈ છે. છત્તીસગઢ ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ મોદીએ ચૂંટણી પ્રચારમાં ભાગ લઇને કોંગ્રેસ પાર્ટી ઉપર પ્રહાર કર્યા હતા. સાથે સાથે પોતાની સરકારની સિદ્ધિઓને ગણાવી હતી જેમાં પરિવારોને ગેસ સિલિન્ડર, મકાનો આપવાની વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અગાઉની સરકારો અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો જારી રાખવામાં આવ્યા હતા.

(8:42 pm IST)