Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

ભીમા કોરેગાંવ કેસ : વરવરા રાવની ફરીવાર ધરપકડ

નજરકેદની અવધિ પુરી થયા બાદ ધરપકડ કરાઈ : જામીન અરજીને અસ્વીકાર કરાતા ફરીથી ધરપકડ કરાઈ

હૈદરાબાદ, તા. ૧૮ : ભીમા કોરેગાંવ હિંસાના મામલામાં આરોપી કાર્યકર વરવરા રાવની નજરબંધીની અવધિ પૂર્ણ થયા બાદ ફરી ધરપકડ કરી લેવામાં આવી છે. વરવરા રાવને મહારાષ્ટ્ર પોલીસે તેમના હૈદરાબાદ સ્થિત આવાસ પરથી પકડી પાડ્યા છે. રાવને હૈદરાબાદ કોર્ટના આવાસને નજરકેદ હેઠળ રાખવામાં આવ્યા હતા. તેમની નજરકેદ હેઠળની અવધિ શનિવારના દિવસે પૂર્ણ થયા બાદ આજે તેમની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે રાવની જામીન અરજીનો અસ્વીકાર કરી દીધો હતો જેના કારણે પોલીસે તેમની ધરપકડ કરી લીધી છે. ડાબેરીઓના વલણને ટેકો આપનાર તથા તેલુગુ કાર્યકર વરવરા રાવ પર પુણે પોલીસે માઓવાદીઓ સાથે સંબંધ હોવાના આરોપસર આક્ષેપ કરીને તેમની ધરપકડ કરી હતી.

 મહારાષ્ટ્ર પોલીસે વરવરા રાવ સહિત પાંચ કાર્યકરોની કોરેગાંવ હિંસાના મામલામાં ધરપકડ કરી હતી. ભીમા કોરેગાંવમાં થયેલી હિંસાના સંદર્ભમાં એફઆઈઆર દાખલ કરવામાં આવ્યા બાદ આ પાંચ શખ્સોની ૨૮મી ઓગસ્ટના દિવસે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદથી આ કાર્યકરો નજરકેદ હેઠળ હતા. પુણે સેશન કોર્ટે આ મહિને ભીમા કોરેગાંવ હિંસામાં આરોપી વરુણ પરેરા, સુધા ભારદ્વાજને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા. આ પહેલા કોર્ટે તેમની જામીન અરજીને અસ્વીકાર કરી દીધી હતી. ત્રણેયને નજર કેદ હેઠળ રાખવામાં આવ્યા હતા. આ વર્ષની શરૂઆતમાં પુણે નજીક ભીમા કોરેગાંવમાં જાતિય હિંસા ભડકી ઉઠી હતી જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. ત્યારબાદ તેના પ્રત્યાઘાત પડ્યા હતા અને મહારાષ્ટ્રના જુદા જુદા વિસ્તારમાં હિંસા ફેલાઈ ગઈ હતી.

(8:40 pm IST)