Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત આપવા કેબિનેટની મંજૂરી

સામાજિક અને શૈક્ષણિક આધારે અનામત આપવા અંગે કેબિનેટમાં સર્વાનુમતે સહમતિ;દેવેન્દ્ર ફડણવીશ

મુંબઈ :મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત આપવા ભાજપ સરકાર વધુ એક ડગલું આગળ વધી છે. મહારાષ્ટ્ર સરકારની કેબિનેટે મરાઠાઓને અનામત આપવા અંગે મંજુરી આપી છે.

    કેબિનેટની બેઠક બાદ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે મરાઠાઓને અનામત આપવા મહારાષ્ટ્ર સરકાર કટિબદ્ધ છે. મરાઠાઓને સામાજિક અને શૈક્ષણિક આધારે અનામત આપવા અંગે કેબિનેટમાં સર્વાનુમતે સહમતિ સધાઇ છે. એસઈબીસીની અલગ શ્રેણીમાં મરાઠાઓને અનામત આપવામાં આવશે તેમ ફડણવીસે જણાવ્યું.

 મરાઠા સમાજને 16 ટકા અનામતનો ક્વોટા આપવાનું મહારાષ્ટ્ર સ્ટેટ બેકવર્ટ ક્લાસીસ કમિશને સૂચન કર્યું હતું. પંચે તેનો અહેવાલ રાજ્યના મુખ્ય સચિવ ડી.કે. જૈનને સુપરત કર્યો હતો. અધર બેકવર્ડ ક્લાસીસને મંજૂર કરાયેલા અનામતની ટકાવારીને ડિસ્ટર્બ કર્યા વિના મરાઠા સમાજ માટે સરકારી નોકરીઓ તથા શિક્ષણ સંસ્થાઓમાં 16 ટકા બેઠક અનામત રાખવાની સમાજે કરેલી માગણી પર પંચે ભલામણ કરી છે.

  મહારાષ્ટ્ર સ્ટેટ બેકવર્ડ ક્લાસીસ કમિશને એને સુપરત કરવામાં આવેલા બે લાખ જેટલા આવેદનપત્રોનો અભ્યાસ કર્યો હતો. તેમજ 45 હજાર જેટલા પરિવારોનો સર્વે કર્યો હતો અને ત્યારબાદ પોતાની ભલામણ કરતો અહેવાલ સરકારને સુપરત કર્યો હતો. પંચની આગેવાની નિવૃત જજ એન.જી. ગાયકવાડે લીધી હતી.

(7:42 pm IST)