Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

પાકિસ્તાનની વ્યાપારિક રાજધાની કરાચીમાં થયેલા ભયંકર બોમ્બ બ્લાસ્ટમાં બે લોકોનાં મોત : આઠને ગંભીર ઈજાઓ : ઈમારતને પણ મોટું નુકસાન : ભીડભાડવાળા આ વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ

પાકિસ્તાનના કરાચીમાં બોમ્બ બ્લાસ્ટ: બે લોકોનાં મોત, આઠને ગંભીર ઈજા

કરાચી: પાકિસ્તાનની વ્યાપારિક રાજધાની કરાચીમાં થયેલા ભયંકર બોમ્બ બ્લાસ્ટમાં બે લોકોનાં મોત નીપજ્યાં છે અને આઠને ગંભીર ઈજાઓ થઈ છે. મલિર જિલ્લામાં થયેલા આ વિસ્ફોટથી અનેક ઈમારતને પણ મોટું નુકસાન થયું છે. બ્લાસ્ટથી ભીડભાડવાળા આ વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે જ્યાં બ્લાસ્ટ થયો તે સ્થળે વધુ એક વિસ્ફોટક પણ રાખવામાં આવ્યો હતો, જેને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે નિષ્ક્રિય બનાવ્યો હતો. વરિષ્ઠ પોલીસ અધિકારી ઈરફાન અલી બહાદુરે જણાવ્યું કે હાથલારી નીચે લગાવવામાં આવેલ ટાઈમ બોમ્બ ભયંકર ધડાકા સાથે ફૂટ્યા હતા અને તેમાં બે લોકોનાં મોત થયાં છે જ્યારે અન્ય આઠ લોકોને ગંભીર ઈજાઓ થઈ છે.

કાયદાબાજ ફ્લાયઓવર નજીક થયેલા આ વિસ્ફોટની જવાબદારી હજુ સુધી કોઈ આતંકી સંગઠને સ્વીકારી નથી, પરંતુ કરાચીમાં લાંબા સમયથી આતંકવાદી, કટ્ટરવાદી અને જાતિવાદી હિંસા વધી રહી છે. વિસ્ફોટ બાદ પોલીસે સમગ્ર વિસ્તારની નાકાબંધી કરીને તપાસ શરૂ કરી છે.

ઝીણા પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ સેન્ટરના વરિષ્ઠ ડોક્ટર સીમી જમાલીએ મૃતકો અને ઘાયલોની સંખ્યાની પુષ્ટિ કરી છે. મૃતકોમાં ૧૬ વર્ષીય પુપુ અને ૧૮ વર્ષીય અલી હસનનો સનાવેશ થાય છે. અલી હસન વિસ્ફોટ થયો તે સ્થળે ફળની લારી ચલાવતો હતો અને સાત બહેન વચ્ચે તે એક જ ભાઈ હતો.

ઘાયલ થયેલા લોકોમાં મોટા ભાગના યુવાનો છે. સીમી જમાલીએ જણાવ્યું કે તમામ આઠ ઘાયલની હાલત હાલ ગંભીર છે અને અમારી ટીમ તેમને બચાવવાની કોશિશ કરી રહી છે.

(1:25 pm IST)