Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

ચીને ભારતીય સરહદ નજીક રોકેટ અને મિસાઇલ્સ દાગ્યા

ભારત પર દબાણ વધારવા માટે ચીને લદ્દાખમાં સરહદ નજીક યુદ્ધાભ્યાસ : વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ચીની સૈન્યની રોકેટ ફોર્સ એક સાથે જોરશોરથી હુમલો કરીને આખા પર્વતીય વિસ્તારનો નાશ કરી દે છે

પેઇચિંગ,તા.૧૮ : પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ લાઇનની પાસે ચાલી રહેલ સરહદ વિવાદ ચીનની સાથે અનેક રાઉન્ડની વાતચીત બાદ ખત્મ થવાનું નામ લઈ રહ્યું નથી. તેની વચ્ચે ચીની આર્મી પીએલએ ભારત પર મનોવૈજ્ઞાનિક દબાણ બનાવીને અંબાડિયું કરવાની કોશિષ કરી રહ્યું છે. ભારતીય સરહદને અડીને આવેલા વિસ્તારમાં જોરદાર યુદ્ધાભ્યાસ કરીને પહાડોને થથરાવી રહ્યું છે. ચીનના સરકારી ભોપુ ગ્લોબલ ટાઇમ્સનો દાવો છે કે લાઇવ ફાયર એક્સરસાઇઝમાં ૯૦ ટકા હથિયારોનો ઉપયોગ કરાયો હતો. પરંતુ ચીનના આ પ્રકારના યુદ્ધાભ્યાસથી કંઇ ભારતને જરાય ડગમગાવી શકે તેમ નથી. ગ્લોબલ ટાઇમ્સે જણાવ્યું હતું કે આ અભ્યાસ પીએલએના તિબેટ થિયેટર કમાન્ડ દ્વારા ૪૭૦૦ મીટરની ઉંચાઇએ હાથ ધરવામાં આવ્યો હતો. ગ્લોબલ ટાઇમ્સે પણ આ અભ્યાસનો એક વીડિયો જાહેર કર્યો છે. વીડિયોમાં ચીની સેના અંધારામાં હુમલો કરી ડ્રોન વિમાનોની મદદથી હુમલો કરી રહી છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ચીની સૈન્યની રોકેટ ફોર્સ એક સાથે જોરશોરથી હુમલો કરીને આખા પર્વતીય વિસ્તારનો નાશ કરી દે છે. એટલું જ નહીં ચીની સેનાએ ગાઇડ મિસાઇલ એટેકની પ્રેક્ટિસ પણ કરી હતી. અભ્યાસ દરમ્યાન ચીની સેનાની તોપોએ ભારે બોમ્બ ધડાકા કર્યા હતા. પીએલએના સૈનિકોએ ખભા પર રાખીને છોડાતી મિસાઇલોનું પણ પ્રદર્શન કર્યું. ગ્લોબલ ટાઇમ્સે દાવો કર્યો હતો કે પ્રેક્ટિસમાં સામેલ ૯૦ ટકા શસ્ત્રો અને સાધનો નવાનકોર છે. માનવામાં આવે છે કે ચીન અખબારે આ વીડિયો ભારત-ચીન વાતચીત દરમ્યાન દબાણ બનાવવા માટે જાહેર કર્યો છે. આપને જણાવી દઈએ કે ભારત અને ચીન વચ્ચે અનેક તબક્કાની વાતચીત બાદ પણ હજી સુધી લદ્દાખ ગતિરોધ માટે કોઈ સમાધાન નીકળ્યું નથી. ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું છે કે સરહદ પર મોટી સંખ્યામાં ચીની સૈનિકોની તૈનાત કરવી એ અગાઉ થયેલા કરારની વિરુદ્ધ છે. આવી સ્થિતિમાં જ્યારે બે દેશોના સૈનિકો તણાવપૂર્ણ વિસ્તારોમાં હાજર હોય છે, ત્યારે તે જ વસ્તુ થાય છે જે ૧૫ જૂને થઈ હતી. જયશંકરે કહ્યું કે આ વર્તનથી વાતચીતને જ ખાલી અસર થતી નથી પરંતુ ૩૦ વર્ષના સંબંધોને પણ ખરાબ કરે છે. જયશંકરે કહ્યું કે ભારત-ચીનના સંબંધોના મૂળમાં સરહદ પર શાંતિ અને સ્થિરતા જાળવવાની હતી, પરંતુ સરહદ પરના તણાવથી બંને દેશોના સંબંધોને અસર થશે. શુક્રવારે વિદેશ મંત્રી એ એશિયા સોસાયટીના વર્ચુઅલ પ્રોગ્રામમાં કહ્યું હતું કે, '૧૯૯૩ થી બંને દેશો વચ્ચે ઘણા કરાર થયા છે, જેણે શાંતિ અને સ્થિરતા માટે માળખું તૈયાર કર્યું છે. આ કરારોમાં સરહદ વ્યવસ્થાપનથી લઈને સૈનિકોની વર્તણૂક સુધીની બધી બાબતોને આવરી લેવામાં આવી હતી, પરંતુ આ વર્ષે જે બન્યું તેણે તમામ કરારોને ખોટા સાબિત કરી દીધા.

(7:22 pm IST)