Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

ઇકબાલ મરચી સાથે લેન્ડ ડીલ પ્રશ્ને એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલ ઇડી સમક્ષ હાજર થયા

પ્રફુલ પટેલની ઇડી દ્વારા લાંબી પુછપરછ થઇ : ઇડીની સમક્ષ કેટલાક વૈધક પ્રશ્નો પ્રફુલ્લ પટલેને કરાયા

મુંબઇ,તા. ૧૮ : અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથી ઇકબાલ મિરચીની સાથે કહેવાતી જમીન સોદાબાજીના મામલે ફસાયેલા એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલ આજે સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થયા હતા. તેમની સામે સમન્સ જારી કરવામાં આવ્યા બાદ તેઓ તપાસ સંસ્થા સમક્ષ હાજર થયા હતા. ઇડીની ઓફિસમાં ઉપસ્થિત થયા બાદ તેમની પુછપરછનો સિલસિલો શરૂ થયો હતો જે કલાકો સુધી જારી રહ્યો હતો. આ સંદર્ભમાં વધુ વિગત મળી શકી નથી પરંતુ પટેલની તકલીફ વધી રહી છે. તપાસમાં કેટલીક વિગતો પણ ખુલી રહી છે. ઇડીએ આક્ષેપ કર્યો છે કે, એનસીપીના નેતાના પરિવાર તરફથી પ્રમોટેડ કંપની અને ઇકબાલ મિરચી વચ્ચે ફાઈનાન્સિયલ ડિલ થઇ ગઇ હતી. આ ડિલ હેઠળ મિલેનિયમ ડેવલપર્સને મિરચીના વર્લી સ્થિત એક પ્લોટ આપીને કામગીરી હાથ ધરાઈ હતી.

                આ પ્લોટ પર મિલેનિયમ ડેવલપર્સે ૧૫ માળની કોર્શિયલ અને રેસિડેન્સિયલ ઇમારતનું નિર્માણ કર્યું છે. આ ઇમારતનું નામ સીજે હાઉસ રાખવામાં આવ્યું છે. ૨૦૦૭માં કંપનીએ સીજે હાઉસમાં ૧૪૦૦૦ વર્ગફુટના બે ફ્લોપ મિરચીના પત્નિ હાજરાને એક રજિસ્ટર્ડ એગ્રિમેન્ટ હેઠળ આપ્યા હતા. ઇડી પટેલ પરિવાર તરફથી પ્રમોટેડ કંપની મિલેનિયમ ડેવલપર્સ અને મિરચી પરિવાર વચ્ચે થયેલી સમજૂતિમાં તપાસ કરી રહી છે. તેમને બુધવારના દિવસે ઇડી તરફથી સમન્સ જારી કરવામાં આવ્યુ હતુ. તપાસ સંસ્થાએ પટેલને ૧૮મી ઓક્ટોબરના દિવસે હાજર થવા માટે કહ્યુ હતુ. અત્રે નોંધનીય છે કે ઇડી કુખ્યાત ગેંગસ્ટપ દાઉદના સાથી ઇકબાલ મિરચી અને પ્રફુલ્લ પટેલ વચ્ચે થયેલી જમીન સોદાબાજીને લઇને તપાસ હાથ ધરી છે.

                 ઇડીનો આરોપ છે કે એનસીપી નેતાના પરિવારના સભ્યો સાથે સમજુતી કરવામાં આવી હતી. પૂર્વ નાગરિક ઉડ્ડયન મંત્રી પ્રફુલ પટેલ અને દાઉદના નજીકના સાથી ઇકબાલ મિરચી વચ્ચે સોદાબાજીના મામલામાં તપાસ ચાલી રહી છે. ડઝન જેટલી સેલ કંપનીઓમાં લેવડદેવડની વિગતોમાં તપાસ ચાલી રહી છે. બેનામી બેંક ખાતાઓ ચેન્નાઈમા ંઉભા કરવામાં આવ્યા હતા જેનો ઉપયોગ કેટલીક પ્રોપર્ટીઓની વેચાણ પ્રક્રિયા હાથ ધરવા માટે કરવામાં આવ્યો હતો. આ પ્રોપર્ટીની કિંમત ૫૦૦ કરોડથી પણ વધુની હોવાનું જાણવા મળી રહ્યું છે.એવું પણ જાણવા મળી રહ્યું છે કે, આગામી દિવસો પ્રફુલ પટેલ માટે પણ વધુ મુશ્કેલરુપ બની શકે છે. પ્રફુલ અને મિરચી વચ્ચે સાંઠગાંઠ મામલામાં ઇડી સક્રિય થઇ ગઇ છે. ઇકબાર મિરચીના પરિવારના સભ્યો સાથે સોદાબાજીના સંદર્ભમાં પટેલ સામે સમન્સ જારી કરવામાં આવી ચુક્યું છે. એજન્સીએ મુંબઈ અને બેંગ્લોરમાં ૧૧ સ્થળો ઉપર ચકાસણી હાથ ધરી છે. સાથે સાથે આઠ લોકોના ડેટા અને દસ્તાવેજો જપ્ત કરાયા છે. તેમની ચર્ચા હમેંશા રહે છે.

(10:11 pm IST)