Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

ટેરર ફંડિંગ : પાકિસ્તાનને ૨૦૨૦ સુધી સમય મળ્યો

બ્લેકલિસ્ટ થવાની બાબત નિશ્ચિત બની ચુકી છે : તુર્કી, મલેશિયા અને ચીન જેવા મિત્રોની સહાયતાથી હાલ પાકિસ્તાન બ્લેકલિસ્ટ થવાથી બચ્યુ, ગ્રે લિસ્ટમાં અકબંધ

પેરિસ, તા. ૧૮ : આતંકવાદીઓના હમદર્દ બની ચુકેલા પાકિસ્તાનને ટેરર ફંડિંગના મામલામાં આંશિક રાહત મળી ગઈ છે. પાકિસ્તાન ટેરર ફંડિંગને લઇને હાલમાં બ્લેકલિસ્ટ થતાં બચી ગયું છે. પાકિસ્તાનને હજુ ફેબ્રુઆરી ૨૦૨૦ સુધીની મહેતલ મળી ગઈ છે. એફએટીએફ દ્વારા પાકિસ્તાનને ફેબ્રુઆરી ૨૦૨૦ સુધી મહેતલ આપી છે. જો કે, બ્લેકલિસ્ટ થવાની બાબત હવે નિશ્ચિત દેખાઈ રહી છે. આજે ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) દ્વારા પાકિસ્તાનને કઠોર શબ્દોમાં ચેતવણી આપવામાં આવી હતી કે, ફેબ્રુઆરી ૨૦૨૦ સુધી તે પૂર્ણ એક્શન પ્લાન તૈયાર કરીને તેના પર આગળ વધે તે જરૂરી છે. જો તે નિર્ધારિત સમયમાં આવું કરવામાં નિષ્ફળ રહેશે તો તેને કઠોર કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે. પાકિસ્તાનની સાથે કોઇપણ પ્રકારની નાણાંકીય લેવડદેવડ અને બિઝનેસ પર સભ્યોને નજર રાખવા માટેના આદેશ આપવામાં આવ્યા છે.

            ચીન, મલેશિયા અને તુર્કીના સમર્થનના કારણે હાલમાં પાકિસ્તાન બ્લેકલિસ્ટ થતાં બચી ગયું છે પરંતુ હવે ગ્રે લિસ્ટમાંથી બહાર નિકળવાની બાબત તેના માટે ખુબ જ મુશ્કેલ બની ગઈ છે. સુત્રોના કહેવા મુજબ એફએટીએફે ભલે હાલમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં રાખ્યું છે પરંતુ ત્રાસવાદની સામે પુરતા પગલા નહીં લેવાના કારણે આવનાર વર્ષોમાં તેના માટે આ લિસ્ટમાંથી બહાર નિકળવાની બાબત અશક્ય બની ગઈ છે. આના માટે આંતરરાષ્ટ્રીય સંસ્થાએ એવા સંકેત આપ્યા છે કે, પાકિસ્તાનને ૨૦૨૦ ફેબ્રુઆરીમાં બ્લેકલિસ્ટ કરવાની પુરી સંભાવના રહેલી છે.

        એફએટીએફે જૂન ૨૦૧૮માં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મુકીને ૨૭ પોઇન્ટના એક્શન પ્લાન આપવામાં આવ્યા હતા જેમાં મની લોન્ડરિંગ અને આતંકવાદી સંગઠનોના ટેરર ફાઈનાન્સને રોકવાના ઉપાય હતા. આતંકવાદી ફંડિંગ અને મની લોન્ડરિંગ રોકવામાં નિષ્ફળ તથા આતંકવાદીઓ અને સંગઠનનોની સામે નક્કર પગલા લેવામાં નિષ્ફળ રહેલા પાકિસ્તાનને સુધારવા માટેની છેલ્લી તક આપવામાં આવી છે. મિત્રોની ત્રિપુટીના કારણે પાકિસ્તાન હાલમાં બચી ગયું છે. કાશ્મીર પર તુર્કી અને મલેશિયાના વલણથી સ્પષ્ટ થઇ ગયું હતું કે, ચીનની સાથે મળીને આ બંને દેશો પાકિસ્તાનને બ્લેકલિસ્ટ થવાથી બચાવી લેશે. એફએટીએફ પેરિસ સ્થિત એક આંતર સરકારી સંસ્થા છે જેનું કામ આતંકવાદી સંગઠનોને ગેરકાનૂની આર્થિક મદદ રોકવા માટે નિયમ બનાવવાનું છે.

(10:00 pm IST)