Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

પી ચિદમ્બરમ ફરાર થવા માટેની સ્થિતિમાં પણ નથી :કપિલ સિબ્બલ

કસ્ટડીમાં ચાર કિલોથી વધુ વજન ઘટી ગયું છે : પાસપોર્ટ જપ્ત કરાયો છે અને સમગ્ર વિશ્વમાં તેમને લોકો ઓળખે છે : સાક્ષીઓના રક્ષણની જવાબદારી સરકારની

નવી દિલ્હી, તા. ૧૮ : આઈએનએક્સ મિડિયા મામલામાં ચિદમ્બરમની તકલીફ અકબંધ રહી છે. સીબીઆઈ તરફથી આજે સુપ્રીમ કોર્ટમાં તર્કદાર દલીલો કરવામાં આવી હતી. સીબીઆઈની દલીલો સામે ચિદમ્બરમના વકીલોએ રજૂઆત કરી હતી કે, ચિદમ્બરમનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવી ચુક્યો છે જેથી તેમની સામે લુકઆઉટ નોટિસ પણ છે. તેઓએ ક્યારે પણ પ્રવાસ માટે કોઇ અરજી કરી નથી જેથી દેશમાંથી ફરાર થઇ જવા માટેના કોઇ કારણ રહ્યા નથી. ચિદમ્બરમના વકીલ અને તેમના નજીકના સાથી કપિલ સિબ્બલે સીબીઆઈની રજૂઆત સામે જોરદાર રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે, તેઓ ભાગી શકવાની સ્થિતિમાં નથી. કારણ કે, સમગ્ર વિશ્વમાં તેમને લોકો ઓળખે છે. કોંગ્રેસના નેતાએ ઉમેર્યું હતું કે, ચિદમ્બરમે કસ્ટડીમાં વજન ચાર કિલોથી વધુ ઘટાડી દીધું છે. જેલમાં તેમને વધારે રાખવાથી તેમને નુકસાન થઇ શકે છે. જેલમાં રાખવા માટે પણ કોઇ કારણ નથી. માત્ર તેમને હેરાનગતિ કરવાનો આની પાછળ હેતુ રહેલો છે. જો કોઇ સાક્ષીને ભય છે અથવા તો ચિદમ્બરમ સાક્ષી ઉપર પ્રભુત્વ જમાવી શકે છે  તો સાક્ષીઓનું રક્ષણ કરવાનું કામ સરકારનું રહેલું છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. ચિદમ્બરમ નાણામંત્રી તરીકે બે વખત સેવા આપી ચુક્યા છે. અગાઉની કોંગ્રેસ સરકારમાં ગૃહમંત્રી તરીકે પણ હતા.

           ૨૧મી ઓગસ્ટના દિવસે રાત્રે જોરદાર નાટ્યાત્મક ઘટનાક્રમમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. ૧૪ દિવસ સુધી એજન્સીના હેડક્વાર્ટરમાં પુછપરછ કરાયા બાદ તેમને પાંચમી સપ્ટેમ્બરના દિવસે જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ તિહાર જેલમાં લવાયા હતા. બુધવારના દિવસે તેમની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જે અલગ મની લોન્ડરિંગ કેસમાં તપાસ કરી રહી છે. ચિદમ્બરમને લઇને હજુ પણ અનેક મામલા રહેલા છે. ચિદમ્બરમ સામે એવો આક્ષેપ છે કે, વિદેશી મૂડીરોકાણ માટે મંજુરીના બદલામાં જંગી કટકી મેળવી હતી. મિડિયા કંપની આઈએનએક્સ મિડિયાને મંજુરી આપવામાં આવી હતી. કંપનીના સહસ્થાપક પીટર અને ઇન્દ્રાણી મુખર્જી હાલ જેલમાં છે. તેમની પુત્રી સીના બોરાની હત્યાના મામલામાં આ બંને હાલ જેલમાં છે. ઇન્દ્રાણી મુખર્જી ચિદમ્બરમ સામે કેસમાં સાક્ષી બની ચુક્યા છે. તપાસ સંસ્થાઓ ઇન્દ્રાણીની જુબાનીના આધાર પર તપાસ કરી રહી છે. ચિદમ્બરમના પુત્ર કાર્તિ અને કેટલાક સરકારી અધિકારીઓની પણ પુછપરછ કરવામાં આવી રહી છે. ચિદમ્બરમે કોઇ કામ ખોટુ કર્યું નથી તેવો દાવો તેમના વકીલો કરી રહ્યા છે.

(7:52 pm IST)