Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

પાસબુક ઉપર જમા રકમ ઉપર વિમા કવર વિશેની જાણકારી આપી છેઃ એચડીએફસી બેન્‍કનું નિવેદન

નવી દિલ્હી: ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક એચડીએફસીએ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી બેંકની પાસબુક પર લગાવેલા ડિપોઝિટ વીમા સ્ટેમ્પ વિશે સ્પષ્ટીકરણ જાહેર કર્યું છે. આ ફોટો વાયરલ થતાં બેંકના ગ્રાહકોમાં ચિંતા શરૂ થઇ ગઇ છે.

જે સ્ટેમ્પનો ફોટો વાયરલ થઇ રહ્યો છે, તેમાં લખવામાં આવ્યું છે કે બેંકમાં જમા રકમ DICGIC વીમાવાળી છે અને જો બેંક દેવાળું ફૂંકે છે તો DICGIC દરેક જમાકર્તાને પૈસા આપવા માટે નાદારી સંશોધક દ્વારા બંધનકર્તા છે. એવામાં ગ્રાહકે જે તારીખે ક્લેમ કર્યો તેના બે મહિનાની અંદર ફક્ત એક લાખ રૂપિયા મળશે.

HDFC બેંકે પોતાનું સ્ટેટમેન્ટ જાહેર કરતાં કહ્યું છે કે જમા પર વીમા કવર વિશે જાણકારી આપી છે. આરબીઆઇએ પોતાના સર્કુલરમાં કહ્યું છે કે બધી કોમર્શિયલ બેંક, સ્મોલ ફાઇનાન્સ બેંક અને પેમેન્ટ બેંકને આ જાણકારી ગ્રાહકોની પાસબુકના પ્રથમ પાને આપવી પડશે.

સહકારી બેંક પીએમસીમાં થયેલા કૌભાંડ બાદ એવી ચર્ચા થઇ રહી છે કે ગ્રાહકોની બેંકમાં જમા રકમ જે હાલમાં એક લાખ રૂપિયા છે, તે ખૂબ ઓછી છે. જો બેંક દેવાળા અથવા પછી કોઇ પ્રકારના મોટા કૌભાંડના લીધે ડૂબી જાય છે, તો પછી એક લાખ રૂપિયા સુધી રકમ ગ્રાહકોને પરત મળશે.

આરબીઆઇ દ્વારા જમાકર્તાઓને તેમના જમા ધન પર મળનાર વીમા કવર પર કેટલાક નિયમો બનાવ્યા છે. ડિપોઝિટ ઇંશ્યોરેન્સ એન્ડ ક્રેદિટ ગેરેન્ટી કોર્પોરેશન (ડીઆઇસીજીસી)ના નામે બનેલા આ નિયમોના અનુસાર બેંકોમાં તમારા દ્વારા જમા કરવામાં આવેલી રકમમાં ફક્ત એક લાખ રૂપિયાનો વીમો કવર થાય છે. આ કવર બધા ખાતાઓ પર લાગૂ છે. અમે તમને આઇબીઆઇની વેબસાઇટ પર લખવામાં આવેલા નિયમને અહીં બતાવી રહ્યા છીએ.

જાણો શું છે બેંક ગેરન્ટી હેઠળ ગ્રાહક સુરક્ષા

માની લો તમારું કોઇ બેંકમાં ખાતું છે અને તેમાં મૂળધન તથા વ્યાજ એમ કુલમળીને 15 લાખ રૂપિયાનું બેલેન્સ છે અને કોઇ કારણોસર બેંક દેવાળિયા થઇ જાય છે. દેવાળિયા થવાના લીધે તે જમાકર્તાઓ પાસેથી પૈસા ચૂકવવાની સ્થિતિમાં રહેતું નથી, તો એવી સ્થિતિમાં પણ તે બેંકને ઓછામાં ઓછા એક લાખ રૂપિયા તમને એક લાખ રૂપિયા આપવાના રહેશે. જોકે એક લાખ કરતાં વધુ જેટલી પણ રકમ હશે (14 લાખ રૂપિયા) તેની સુરક્ષાની કોઇ ગેરેન્ટી નથી. 

ખાનગી, સરકારી બધી બેંકો પર લાગૂ નિયમ

આરબીઆઇનો આ નિયમ બધી બેંકો પર લાગૂ છે. તેમાં વિદેશી બેંક પણ સામેલ છે, જેને આરબીઆઇ દ્વારા લાઇસન્સ મળી ગયું છે. તે મુજબ જોઇએ તો પીએનબી આ મહાગોટાળા બાદ દેવાળીયાની કગાર પર છે.

જો કેંદ્વ સરકાર પોતાના દ્વારા પીએનબીને ભરપાઇ કરી શકતી નથી તો બેંક દેવાળીયા થઇ શકે છે. જોકે આ એક પબ્લિક સેક્ટર બેંક છે, જેની જવાબદારી કેંદ્વ સરકાર પાસે છે. બેંક ડૂબશે કે નહી, તેની સંભાવના ખૂબ નહીવત છે કારણ કે બેંકનો માલિકી હક સરકાર પાસે છે અને સરકારે લોકોને આશ્વસ્ત કર્યા છે. બેંકોનું પણ નિવેદન આપ્યું છે કે પરિસ્થિતિ કાબૂમાં છે.

(4:44 pm IST)