Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

કોંગ્રેસ અસાધ્ય રોગ, ૩૭૦, સર્જિકલ સ્ટ્રાઈક, બાલાકોટનું નામ સાંભળતા જ દુઃખાવાથી તરફડિયા મારવા લાગે છે'

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે હરિયાણાના ગોહનામાં રેલી સંબોધી

ચંડીગઢ,તા.૧૮: હરિયાણા ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં છે. તમામ પાર્ટીઓએ પોતાની સંપૂર્ણ તાકાત ઝોંકી છે. આ સિવાય રાજનાથ સિંહ, મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ રેલીઓ સંબોધવાના છે. હરિયાણાની તમામ બેઠકો માટે ૨૧ ઓકટોબરના રોજ મતદાન થવાનું છે. જયારે મતગણતરી ૨૪ ઓકટોબરના રોજ થશે. હરિયાણા ચૂંટણીમાં ભાજપ સામે ગત વિધાનસભા ચૂંટણીના શાનદાર પ્રદર્શનને દોહરાવવાનો મોટો પડકાર છે. જયારે કોંગ્રેસ સામે પડકાર છે કે તે સત્ત્।ામાં પાછી ફરે. વડાપ્રધાને ગોહનાની જનસભામાં કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ ખતમ કરાઈ. ૫ ઓગસ્ટથી કોંગ્રેસ અને તેમના મળતિયાઓના પેટમાં એવો દુઃખાવો ઉપડ્યો છે કે જેના પર કોઈ દવા કામ કરતી નથી. પેટનો દુઃખાવો કોંગ્રેસ માટે અસાધ્ય રોગ બની ગયો છે. સર્જિકલ સ્ટ્રાઈક, બાલાકોટનું નામ લેતા તો કોંગ્રેસ તરફડિયા મારવા લાગે છે.

પીએમ મોદીના નિશાના પર કોંગ્રેસ પાર્ટી જ હતી. તેમણે જમ્મુ કાશ્મીર, પાકિસ્તાન, ખેડૂતો, જવાનોના મુદ્દે વિપક્ષ પર નિશાન સાધ્યું. વડાપ્રધાને આ રેલીમાં કોંગ્રેસ પર કલમ ૩૭૦ને લઈને નિશાન સાધ્યું અને કહ્યું કે કોંગ્રેસને ન તો ભારતની એકતાની ચિંતા છે, ન તો બંધારણની ચિંતા છે. જેમને માતા ભારતની ચિંતા નથી, તેમની ચિંતા હરિયાણા કરી શકે ખરા?

વડાપ્રધાને કહ્યું કે લોકસભા ચૂંટણીમાં તમારા આશીર્વાદ લેવા માટે આવી શકયો ન હતો. પરંતુ ભાજપને તમે પૂરેપૂરી બેઠકો આપી. જેમને ભ્રમ હતો કે તેઓ આ સમગ્ર વિસ્તારના માલિક છે, તેમનો ભ્રમ જનતાએ તોડ્યો. ગોહાનાની રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે સાર્વજનિક જીવન જીવનારા લોકોને હરિયાણાની જનતાએ મોટો પાઠ ભણાવ્યો છે. તેમણે કહ્યું કે અખાડો ભલે કુશ્તીનો હોય કે પછી સરહદ પર ઊભા રહેવાનો, હરિયાણાના યુવાઓ હંમેશા તૈયાર રહે છે.

તેમણે કહ્યું કે શું દેશહિતમાં નિર્ણયો ન  લેવા જોઈએ. હરિયાણાની ભાવનાને કોંગ્રેસ અને તેમના પક્ષ સમજી શકતા નથી. ૫ ઓગસ્ટના રોજ શું થયું હતું, તેની કોઈ કલ્પના પણ કરી શકતું નહતું. અમારી સરકારે જમ્મુ અને કાશ્મીરમાં ભારતને બંધારણને લાગુ કર્યું. ૭૦ વર્ષથી જમ્મુ અને કાશ્મીર તથા લદાખના વિકાસમાં જે અડચણો હતી તેને અમે ૫ ઓગસ્ટે હટાવી દીધી.

(3:59 pm IST)