Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

અયોધ્યા કેસ : સુની વકફ બોર્ડના વકિલે મધ્યસ્થતા પેનલના માધ્યમથી સમજુતીની કરી પુષ્ટી

જો કે વકફ બોર્ડ સિવાય અન્ય કોઇ મુસ્લિમ પક્ષકાર સમાધાન માટે તૈયાર નથી

નવી દિલ્હી, તા. ૧૮ :  રાજકીય સ્વરૂપે સંવેદનશીલ અયોધ્યા ભૂમિ વિવાદમાં મુસ્લિમ પક્ષકારોમાંથી એક સુન્ની વકફ બોર્ડના વકિલે પુષ્ટી કરી છે કે મધ્યસ્થતા પનલના મધ્યામથી હિન્દુ પક્ષતરોને એક સમજુતી પ્રસ્તાવ રજૂ કરાયો છે.

સુન્ની વકફ બોર્ડના વકિલ શાહિદ રિઝવીએ કહ્યું છે કે, જો તમે એવા કામો કરવા ઇચ્છો જે કદી કરી ન શકો તો તમે તેને અંતિમ સંયમમાં પણ કરી શકો છો. અદાલતની બહાર મધ્યસ્થતા સમિતિ સમક્ષ બંને પક્ષોએ પોતાની વાત રાખી છે અને કેટલીક શરતો પર એક મત છે. જેની વિગત જાહેર કરી ન શકાય.

અયોધ્યા કેસ (Ayodhya Case)મા સુન્ની વકફ બોર્ડ ભલે વિવાદિત જમીન પર દાવો છોડવા માટે તૈયાર હોય પરંતુ બાકીના મુસ્લિમ પક્ષકાર કોઈ પણ પ્રકારના સમાધાન માટે તૈયાર નથી. મુસ્લિમ પક્ષકારોએ એક નિવેદન બહાર પાડતા કહ્યું કે હવે મધ્યસ્થતા દ્વારા ઉકેલની કોઈ સંભાવના નથી. તેમણે કહ્યું કે સુન્ની વકફ બોર્ડના સમાધાનના ડ્રાફ્ટને મધ્યસ્થતા પેનલે કે પછી બાકી પક્ષકારોએ જાણી જોઈને મીડિયાને લીક કર્યો.

અયોધ્યા મામલે મુસ્લિમ પક્ષના વકીલોએ નિવેદન બહાર પાડીને કહ્યું કે અમને મુખ્ય હિન્દુ પક્ષકારોએ નહતાં બોલાવ્યાં, ફકત સુન્ની વકફ બોર્ડના અધ્યક્ષ ઝફર ફારૂકી અને ધર્મદાસે જ ભાગ લીધો હતો. પેનલના સભ્ય શ્રીરામ પંચૂ, અને ઝફર ફારુકીમાં તાલમેલ જોવા મળી રહ્યો છે. અમે રિપોર્ટ સાથે અસહમત છીએ. તેમણે લીક થવાના સમે પણ સવાલ ઉઠાવ્યો.

આ રીતે અન્ય મુસ્લિમ પક્ષકારોએ પણ સ્પષ્ટ કરી દીધુ છે કે જે પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો તેને સ્વીકારતા નથી. મધ્યસ્થતામાં સીમિત લોકોએ ભાગ લીધો હતો. નિર્મોહી અખાડામાંથી મહંત ધર્મદાસ, સુન્ની વકફ બોર્ડથી ઝફર ફારૂકી, અને હિન્દુ મહાસભામાંથી ચક્રપાણી સહિત અન્ય બે લોકોએ ભાગ લીધો હતો. જયારે હિન્દુ પક્ષ ખુલ્લી રીતે કહી ચૂકયા હતાં કે મધ્યસ્થતામાં તેઓ ભાગ લેશે નહીં તો આખરે મધ્યસ્થતા કેવી રીતે થઈ શકે. મધ્યસ્થતા કમિટીએ જે પ્રયત્નો કર્યાં તેમાં કોઈ તેમનો માણસ સામેલ નથી.

ઉલ્લેખનીય છે કે સુન્ની વકફ બોર્ડ ઉપરાંત આ કેસમાં અન્ય ૬ મુસ્લિમ પક્ષકારો છે. જેમાં હાસિફ અન્સારી/ઈકબાલ અન્સારી, એમ સિદ્દીકી, મિસબાહુદ્દીન, ફારૂક અહેમદ, મૌલાના મેહફૂઝુરહમાન, સિયા સેન્ટ્રલ વકફ બોર્ડ સામેલ છે.

હકીકતમાં સુન્ની વકફ બોર્ડે સુપ્રીમ કોર્ટમાંથી અયોધ્યા કેસ પાછો લેવાનો નિર્ણય કર્યો છે. બોર્ડના ચેરમેને કેસ પાછો ખેંચવાનું સોગંદનામું મધ્યસ્થતા પેનલના સભ્ય શ્રીરામ પંચને મોકલ્યું. ત્યારબાદ મધ્યસ્થતા પેનલે સેટલમેન્ટ દસ્તાવેજ સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યો.

(3:47 pm IST)