Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ. ૯ લાખ કરોડનું માર્કેટ કેપ ધરાવતી દેશની પ્રથમ કંપની બની

આજે સાંજે રિલાયન્સ જુલાઈથી સપ્ટેમ્બર ત્રિમાસના પરિણામ જાહેર થશે

નવી દિલ્હી, તા.૧૮: મૂકેશ ધીરુભાઈ અંબાણીની માલિકીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ શેરબજારમાં રૂ. ૯ લાખ કરોડનું માર્કેટ કેપિટલાઈઝેશન (માર્કેટ-કેપ) ધરાવતી દેશની સૌપ્રથમ કંપની બની ગઈ છે. શુક્રવારે સવારે શેરબજારમાં રિલાયન્સના શેરનું કુલ માર્કેટ કેપ ૯,૦૧,૪૯૦.૦૯ કરોડની સપાટીએ સ્પર્શી ગયું હતું.

દેશના સૌથી ધનવાન એવા મૂકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર સવારના કામકાજમાં ૨.૨૮ ટકા ઉછળીને ૧,૪૨૮ના ઐતિહાસિક સપાટી પર પહોંચ્યો હતો. આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પરિણામ જાહેર થવાના છે તે અગાઉ જ કંપનીએ નવ લાખ કરોડનું માર્કેટ કેપ વટાવ્યું હતું. ઓગસ્ટ ૨૦૧૮માં રિલાયન્સ ૮ લાખ કરોડનું માર્કેટ કેપ ધરાવતી દેશની સૌપ્રથમ કંપની બની ગઈ હતી.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ૧૦ હજાર કરોડનો નફો કરતી દેશની સૌપ્રથમ ખાનગી કંપની બની છે. ૨૦૧૮ના ઓકટોબરથી ડિસેમ્બરના ત્રિમાસમાં કંપીએ સૌપ્રથમ વખત આટલો નફો કર્યો હતો. જાન્યુઆરી ત્રિમાસના પરિણામ જાહેર કર્યા બાદ કંપનીના શેરમાં આકર્ષક ઉછાળો જોવા મળ્યો છે. શુક્રવારે સળંગ પાંચા સત્રમાં આરઆઈએલનો શેર પ્લસમાં હતો. આરઆઈએલના શેરમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૨૭ ટકા વળતર રોકાણકારોને મળ્યું છે. બીએસઈમાં ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ના રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરની કિંમત ૧,૧૨૧ હતી જે હાલમાં ૧,૪૨૮નાસપાટીએ પહોંચી છે. રિલાયન્સના શેરમાં આ વર્ષની સૌથી ઊંચી સપાટી છે.

(3:47 pm IST)