Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

વાજપેયી સાહેબમાં કોઇ કડવાશ નોતી, કાળજી લેતા'તા પરંતુ નરેન્દ્રભાઇ પગલા લેવામાં કઠોર અને મકકમ હોય છેઃ પવાર

ફડણવીસ સંપૂર્ણ નિષ્ફળઃ મહારાષ્ટ્રમાં ઉદ્યોગો પાયમાલઃ ખેડુતો મોટી સંખ્યામાં આપઘાત કરી રહયા છેઃ લોખંડી મરાઠા નેતાએ ધણેણાટી બોલાવી

મુંબઇઃ એનસીપીના સર્વસર્વા અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રથમ કાર્યકાળ દરમિયાન ૨૦૧૭માં પદ્મ વિભૂષણ એવોર્ડ મેળવનાર શ્રી શરદ પવારે અટલજી અને નરેન્દ્રભાઇની કાર્યશૈલીની ભીન્નતા દર્શાવતા એક મુલાકાતમાં કહયું હતુ કે અટલ બિહારી વાજપેયી સામાન્ય રીતે પોતાના નિર્ણયો અંગે કાળજી લેતા કે તેનાથી કોઇ કડવાશ ન સર્જાય જયારે નરેન્દ્રભાઇ તેમના લીધેલા પગલાઓનો અમલ કરાવવા સમયે કોઇ દયા નથી રાખતા અને અસરકારક વ્યકિત બની  રહે છે.

અટલજીએ તેમના કાર્યકાળમાં જેમને ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના વાઇસ ચેરમેન બનાવેલા તેવા શ્રી શરદ પવારે આ ઇન્ટરવ્યુમાં કહેલ કે વાજપેયીજી સુંસસ્કૃત સદગૃહસ્થ હતા. મોદીજી જયારે કોઇ કાર્યક્રમનો અમલ કરાવતા ત્યારે અસરકારક
વ્યકિત બની રહેતા. એક વખત નિર્ણય લ્યે પછી કોઇપણ દયા રાખ્યા વિના તેનો અમલ કરાવવાની ક્ષમતા તેઓ ધરાવે છે. પવારે બંનેની કાર્યશૈલીમાં રહેલ ભીન્નતા દર્શાવી હતી. બંને ભાજપના છે.

મહારાષ્ટ્રના ખેડુતો અને ઉદ્યોગોને  મુંઝવતા પ્રશ્નો અંગે મુખ્યમંત્રી ફડનવીસ કોઇ અસરકારક પગલા લેતા નથી તેવુ કહી ઝાટકણી કાઢતા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી એ કહેલ કે ફડણવીસ પરીણામ લાવનારા અસરકારક મુખ્યમંત્રી નથી. તેમણે કહયું મહારાષ્ટ્રના સમગ્ર કિસાન વર્ગ નિરાશ, હતાશ, વ્યગ્ર અને ક્રોધિત છે.

મહારાષ્ટ્રના ઉદ્યોગોની સ્થિતિ બદ તર છે. લોકો નોકરી ગુમાવી રહયા છે. અનેક કારખાનાઓ ૩-૩ને બદલે એક પાળીમાં ચાલી રહયા છે. આ મોરચે હાલના મુખ્યમંત્રીનું કોઇ જ લક્ષ્ય નથી તેમ દેશના પૂર્વ સંરક્ષણ મંત્રી રહી ચુકેલા શ્રી શરદ પવારે કહયું હતુ. અને જણાવેલ કે મહારાષ્ટ્રમાં ખેડુતો મોટાપાયે આત્મ હત્યા કરી રહયા છે. અને આ પ્રશ્ન ઉઠાવવામાં આવે ત્યારે ફડનવીસ ભુતપૂર્વ કોંગ્રેસ-એનસીપી સરકાર ઉપર આંગળી ચિંધી દયે છે. પવારે સીધુ જ પુછેલ કે તમે (ફડણવીસ) પાંચ વર્ષથી સતા ઉપર છો,  તમે કેમ આટલા સમયમાં આ પ્રશ્ન ઉકેલ્યો નથી?

(1:30 pm IST)