Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

પિતાને ફરીથી સીએમ બનાવવા કેજરીવાલની દીકરીએ નોકરીમાંથી પાંચ મહિનાની રજા લીધી

આમ આદમી પાર્ટી નહીં જીતે તો તમને જે વસ્તુ મફતમાં મળી રહી છે એ નહીં મળે

નવી દિલ્હી તા. ૧૮ :.. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની દીકરીએ વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર કરવા માટે પોતાની નોકરીમાંથી પાંચ મહિનાની રજા લીધી છે. આ વાતની જાણકારી ખુદ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે બુધવારે આપના કાર્યકરોના જિલ્લા સંમેલનમાં આપી હતી. સીએમએ જણાવ્યું કે તેમની દીકરી એક મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરે છે. તે પાંચ મહિનાની રજા લઇને પોતાના વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરી રહી છે.

બુધવારે નજફગઢ જિલ્લા કાર્યકરોનું સંમેલન દ્વારકા વિધાનસભામાં મળ્યું હતું. અહીં સીએમએ સ્વયંસેવકોને સંબોધન કર્યુ હતું. સીએમએ કાર્યકર્તા સંમેલનમાં કહ્યું કે જો આમ આદમી પાર્ટી નહીં જીતે તો તમને જે વસ્તુ મફતમાં મળી રહી છે એ નહીં મળે. આવું કહીને સીએમ અરવિંદ કેજરીવાલનો ઇશારો વિજળી-પાણીનો હતો. આ પ્રસંગે સીએમ અરવિંદ કેજરીવાલે મફતમાં વિજળી, પાણી, સ્વાસ્થ્ય અને શિક્ષણ ક્ષેત્રમાં કરેલાં કામોને યાદ કર્યા હતાં. તેમણે પોતાનાં પાંચ વર્ષના શાસનની સિધ્ધિઓ વર્ણવી હતી.

કેજરીવાલે કહયું કે ડેન્માર્કે તેમને બોલાવ્યા હતા, પરંતુ તેમને ન જવા દેવામાં આવ્યા. અમે અહીંથી જ વિડીયો કોન્ફરન્સ કરીને દુનિયાને જણાવ્યું કે કેવી રીતે પ્રદુષણ ઓછું કર્યુ. આજે આખી દુનિયામાં દિલ્હી સરકારનાં કામોની પ્રશંસા થઇ રહી છે. જો કે, આશ્ચર્યની વાત એ હતી કે સીએમ ૧૯ મીનીટના પોતાના કાર્યક્રમમાં એક પણ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે ગૃહપ્રધાન અમિત શાાહનું નામ લીધું ન હતું. બીજેપીનું નામ પણ એક વખત જ લીધું હતું.

(11:35 am IST)