Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

હવે અમેરિકી અખબારોને ધખારો ઉપડયો...!!

ર૦૦૯માં ચીનના જીન-જીયાંગમાં સર્જાયેલ સ્થિતિ જેવી જ સ્થિતિ આજે કાશ્મીરની છે...!! : કાશ્મીરમાં ભારત-ચીન જેવી મુસ્લિમ વિરોધી નીતિઓનો ઉપયોગ કરે છે

વોશિંગ્ટન  તા. ૧ર : જમ્મુ કાશ્મીરમાંથી ૩૭૦ હટાવીને, લદાખને અલગ કર્યા પછી ત્યાં સતત ચાલી રહેલા પ્રતિબંધો વચ્ચે એક અમેરિકન અખબાર 'ધ નેશન' એ દાવો કર્યો છે કે ભારતમાં પણ મુસ્લિમો વિરૂધ્ધ ચીન જેવી સ્થિતિ બનાવવાનો પ્રયત્ન થઇ રહ્યો છે.

અખબારે મધ્ય એશિયાના એક એકસપર્ટ અને જોર્જટાઉન યુનિ.માં પ્રોફેસર જેમ્સ મિલવાર્ડનો હવાલો આપતા કહયું છે કે જૂલાઇ-ર૦૦૯ માં ચીનના જીન જીયાંગમાં રમખાણો પછી જે પરિસ્થિતિ હતી તેવી જ અત્યારે કાશ્મીરમાં છે. જેમ્સ મિલવાર્ડે એવી શંકા વ્યકત કરી છે કે ભારતીય વડાપ્રધાન મોદી કાશ્મીરમાં ચીની પુસ્તકના એક પાનાનો ઉપયોગ કરી રહ્યા છે.

અખબારે વધુ કેટલાક વિશેષજ્ઞોનો હવાલો આપીને એ બતાવવાની કોશિષ કરી છે કે કેવી રીતે કાશ્મીર અને ચીનના જીન જીયાંગમાં પરિસ્થિતી એક સમાન છે. અખબાર અનુસાર, દિલ્હીની એક થિંક ટેંક ફયુચર કાઉન્સીલના ડાયરેકટર અને માનવાધિકાર કાર્યકર્તા ઓવૈસર સુલતાન ખાન કહે છે કે કાશ્મીર અને જીન જીયાંગમાં દબાવવા માટે પોત પોતાની રીતો અજમાવી રહ્યા છે.રિપોર્ટ અનુસાર ઇસ્લામો ફોબીયા અને ઓન લાઇન નફરત બન્ને દેશોમાં ઝડપભેર  વધી રહી છે. ભારતમાં હાલમાં લીંચીંગ જેવી ઘટનાઓ વધી ગઇ છે. જયારે ચીનમાં પણ મુસ્લિમ વિરોધી કન્ટેન્ટ બહુ જોવા મળે છે.અખબાર અનુસાર કાશ્મીરમાં ટેકનીકની મદદથી ચોકસાઇ વધારાઇ રહી છે. જેમાંથી મોટાભાગની ટેકનીક ચીનથી આવી રહી છે. ચીની કંપની હિકવિઝન દુનિયાની સૌથી મોટી સીસી ટીવી કંપનીઓમાંની એક છે. તેનો જીન જીયાંગ પોલીસ સાથે કોન્ટ્રાકટ છે અને એક રીપોર્ટ અનુસાર આ કંપની ભારતમાં  પણ પોતાની ટેકનીક મોકલી રહી છે. સીસી ટીવી ઉપરાંત ડ્રોન અને બીજી ટેકનીકનો ઉપયોગ વધારવાની કોશિષ થઇ રહી છે. આ  ઉપરાંત કાશ્મીરમાં બીજા ધર્મના લોકોના વસવાટ અને બહારથી ધંધો લાવવાની પણ વાત થઇ રહી છે.

જો કે, અખબાર પોતાના રિપોર્ટના અંતમાં એમ પણ કહે છે કે કાશ્મીર માટે એ સારી વાત છે કે ભારત-ચીનમાં થઇ રહ્યું છે એટલી હદે નથી જઇ રહ્યું. હજુ પણ ભારતમાં અને કાશ્મીરમાં સીવીલ સોસાયટી છે, સ્વતંત્ર મીડીયા છે અને સ્વતંત્ર ગણાતી ન્યાય વસ્થા છે.

(11:32 am IST)