Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

હવે દેશમાં ખુલશે ''સ્ક્રેપેજ સેન્ટરો : જુના એસી., વોશીંગ મશીન, ફ્રીઝ વેંચી શકાશે : પુરતા ભાવ મળશે : ઇન્સેન્ટીવ મળશે

સરકાર લાવી રહી છે નવી સ્ટીલ સ્ક્રેપેજ પોલીસી

નવી દિલ્હી તા ૧૮  : જો તમારી પાસે કાર સહિત કોઇ જુનુ વાહન હોય અથવા જુના એરકંડીશનર, વોશીંગ મશીન, અથવા ફ્રીજ હોય તો તમારા માટે સરકાર આગામી સપ્તાહમાં સ્ટીલ સ્ક્રેપેજ પોલીસી લાવી રહી છે. તેનો ડ્રાફટ તૈયાર થઇ ચુકયો છે, અને તેને અંતિમ સ્વરૂપ અપાઇ રહયું છે. આમાં ખાસ વાત એ છે કે પહેલા સ્ટીલ સ્ક્રેપેજ પોલિસી ફકત વાહનો માટે હતી પણ આ વખતે તેમાં એસી, ફ્રીજ અને વોશીંગ મશીનને પણ સામેલ કરાયા છે.

સુત્રો અનુસાર, સ્ટીલ સ્ક્રેપેજ પોલિસી ઘણી જગ્યાએ સ્ક્રેપેજ સેન્ટર બનાવાશે. આ સેન્ટરોમાં જઇને લોકો ભંગાર વેચી શકશે, તેમાં બધા પ્રકારના જુના સ્ટીલને સામેલ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે, સરકાર સ્ક્રેપ વેચવા પર ઇન્સેન્ટીવ આપશે. તેનો મતલબ એ છે કે, જેટલી કિંમતનો સ્ક્રેપ થશે તેમાં સરકાર તરફથી અલગ ઇન્સેન્ટીવ મળશે એટલે આશા છે કે, લોકો સ્ક્રેપ વેચવા આગળ આવશે.

એક સીનીયર અધિકારી અનુસાર, કેટલી રકમ પર કેટલું ઇન્સેન્ટીવ આપવું તે અંગે વિચારણા થઇ રહી છે. આના પર સંમતિ થાય એટલે નવી સ્ટીલ સ્ક્રેપેજ પોલીસી જાહેર કરાશે. તેના પર સંબંધિત લોકો અને નિષ્ણાંતોના સુચનો લીધા પછી તેને અમલી બનાવાશે. એટલે તેને લાગુ કરવામાં ૧૦ દિવસનો સમય લાગી શકે છે.

અધિકારી અનુસાર, આ પોલીસીથી ફાયદો એ થશે કે, સ્ટીલનો જુનો સ્ક્રેપ એક જગ્યાએ જમા કરી શકાશે, ત્યાર પછી તેનું રિસાયકલીંગ થશે. આ ઉપરાંત જુની ગાડીઓ પણ રોડ પરથી નીકળી જશે. લોકો જુની ગાડીઓ વેંચીને નવી ગાડી ખરીદવા આગળ આવશે. આ કારણે નવી ગાડીઓનું વેચાણ પણ વધશે. આમ પણ ઓટો કંપનીઓ એ નવી ગાડીઓના ભાવમાં ઘટાડો કર્યો જ છે.

(11:30 am IST)