Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

મંદી દેવીનો પ્રકોપ સતત વધી રહ્યો છે

ગ્રામ્ય વિસ્તારોની ખરીદી છેલ્લા ૭ વર્ષમાં સૌથી નબળી

અર્થતંત્રની મંદીથી FMCG સેકટરને મરણતોલ ફટકોઃ આર્થિક સંકટ ર૦૦૮ કરતાં પણ મોટુઃ વપરાશમાં છેલ્લા ર૦ માસથી થઇ રહેલો ઘટાડો ચિંતાજનક

મુંબઇ તા. ૧૮ :.. ભારતનો આર્થિક વિકાસ દર એપ્રિલથી જૂન કવોર્ટરમાં છેલ્લા છ વર્ષમાં સૌથી નબળો રહ્યો છે. છેલ્લા એક પખવાડીયામાં વધુ ને વધુ એજન્સીઓ ભારતનો આર્થિક વિકાસ દર નબળો રહેશે એવી આગાહી કરી ચૂકી છે ત્યારે અગ્રણી રિસર્ચ સંસ્થા નિલ્સન અનુસાર જુલાઇથી સપ્ટેમ્બર દરમિયાન દેશના ગ્રામ્ય વિસ્તારોની ખરીદી છેલ્લા સાત વર્ષમાં સૌથી નબળી રહી છે એવો અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે.

નિલ્સનના ફાસ્ટ મૂવિંગ કન્ઝયુમર ગુડસના જૂલાઇથી સપ્ટેમ્બર ર૦૧૯ ના આંકડા અનુસાર દેશભરમાંથી ખરીદીની વૃધ્ધિ માત્ર ૭.૩ ટકા જોવા મળી છે જે ગયા વર્ષે ૧૬.ર ટકા હતી. આ વૃધ્ધિમાં વપરાશ ગયા વર્ષે ૧૩.ર ટકા વધ્યો હતો જે આ વર્ષે માત્ર ૩.૯ ટકા રહ્યો હોવાનું પણ નિલ્સન જણાવે છે. ફાસ્ટ મૂવિંગ કન્ઝયુમર ગુડસમાં સાબુ, શેમ્પુ, બિસ્કિટ, ખાદ્યતેલ જેવી ચીજોનો સમાવેશ થાય છે.

નિલ્સન જણાવે છે કે છેલ્લાં સાત વર્ષમાં પ્રથમ વખત ભારતમાં ગ્રામ્ય વિસ્તારોની વૃધ્ધિ શહેરી વિસ્તારમાં જૂલાઇથી સપ્ટેમ્બર દરમિયાન વૃધ્ધિ માત્ર પાંચ ટકા રહી છે જે ગયા વર્ષે ર૦ ટકા જેટલી હતી. બીજી તરફ શહેરી વિસ્તારની વૃધ્ધિ ર૦૧૮ માં ૧૪ ટકા હતી એ આ વર્ષે ઘટી ૮ ટકા રહી છે. ગ્રામ્ય વિસ્તાર કુલ એફએમસીજી બજારમાં ૩૬ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. અને એનો વિકાસ દર શહેરી વિસ્તાર કરતાં ત્રણ થી પાંચ ટકા જેટલો વધારે જોવા મળ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દેશની સૌથી મોટી એફએમસીજી કંપની હિન્દુસ્તાન યુનીલીવરે પણ પોતાનાં પરિણામની જાહેરાત સાથે ગ્રામ્ય વિસ્તારમાં ખરીદી ઘટી હોય એવું અવલોકન કર્યુ હતું.

અમુક કંપનીઓનો દાવો છે કે ગ્રાહક હવે પ રૂપિયાની પ્રોડકટ પણ નથી લેતો.

ભારતનો આર્થિક વિકાસ ઘટાડી છ ટકા રહેશે. એવી આગાહી કરતાં વિશ્વની અગ્રણી બ્રોકરેજ સંસ્થા ગોલ્ડમેન સાકસે જણાવ્યું હતું કે દેશમાં ગ્રાહકોનો વપરાશ ઘટયો છે એક પડકારજનક છે અને એના માટે માત્ર આઇએલએન્ડએફએસ નિષ્ફળ જતાં નોન-બેન્કિંગ કંપનીઓ માટે તીવ્ર નાણાભીડ જવાબદાર નથી. વર્તમાન આર્થિક સંકટ ર૦૦૮ થી પણ મોટુ છે.

ગોલ્ડમેન સાકસનાં ચીફ ઇકોનોમિસ્ટ પ્રાચી મિશ્રાના જણાવ્યા અનુસાર તેમના એનેલીસીસ અનુસાર ભારતમાં વપરાશનો ઘટાડો જાન્યુઆરી ર૦૧૮ માં શરૂ થયો હતો. જે ઓગસ્ટ ર૦૧૮ માં આઇએલએન્ડ એફએસની કટોકટી કરતાં ઘણો વહેલો હતો. ભારતમાં આર્થિક વિકાસ ઘટવા માટે વપરાશ ઉપરાંત વૈશ્વિક અર્થતંત્રનું ધીમું પડવું અને નોન-બેન્કિંગ કંપનીઓની નાણા કટોકટી પણ જવાબદાર છે.

ધ ઇકોનોમિસ્ટ દ્વારા આયોજીત એક બેઠકમાં મિશ્રાએ જણાવ્યું હતું કે મૂડી રોકાણ અને નિકાસ પણ ઘટી રહી છે પણ હકિકતે દેશમાં વપરાશ ઘટયો એ વધારે ચિંતાજનક છે. ભારતમાં છેલ્લા ર૦ મહિનાથી વપરાશ ઘટયો છે. આ સમસ્યા નોટબંધી અને ર૦૦૮ ની વૈશ્વિક નાણાકીય કટોકટી કરતાં અલગ છે. એ ઘટનાઓ કામચલાઉ હતી, જયારે અત્યારે વપરાશનો ઘટાડો ટકાઉ છે.

ભારતનો આર્થિક વિકાસ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયા, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, વર્લ્ડ બેન્ જેવી સંસ્થાઓએ છેલ્લા બે સપ્તાહમાં ઘટાડયો છે ત્યારે સરકાર માટે વધુ પડકારજનક સમય આવી રહયો છે.

ગોલ્ડમેનના મતે ભારતનો આર્થિક વિકાસ ઘટવા માટે ૪૦ ટકા જેટલો હિસ્સો વપરાશ ઘટવાનો છે. જયારે બાકીનો હિસ્સો વૈશ્વિક વ્યાપાર અને નાણાકીય કટોકટીનો છે.

કરની નબળી આવક અને આર્થિક વિકાસમાં મંદીને કારણે દેશની નાણાખાધ ૦.૩૦ થી ૦.પ૦ ટકા વધી શકે છે

મુંબઇ તા. ૧૮ : ભારતમાં આર્થિક વિકાસદર તીવ્ર રીતે ઘટી રહ્યો  છે અને એના કારણે સરકારની કર વસૂલાત પણ નબળી હોવાથી નાણાકીય વર્ષ ર૦૧૯-'ર૦ના બજેટના ૩.૩ ટકાના અંદાજ કરતા નાણાખાધ લગભગ ૦.૩૦ ટકા કે ૦.પ૦ ટકા વધી શકે છે.

બજેટની રજુઆત થઇ ત્યારથી નિષ્ણાંતો કેન્દ્ર સરકારની કરની આવકમાં વૃદ્ધિની અંદાજ વધારે પડતો હોવાનો મત પ્રગટ કરી રહ્યા હતા. એ સમયમાં દેશમાં આર્થિક વિકાસ મજબુત કરતા કેન્દ્ર સરકારે કોર્પોરેટ ટેકસમાં રાહત આપી ૧.પ૦ લાખ કરોડ રૂપિયાની કરની આવક જતી કરવાનો દાવો કર્યો છે. આ સ્થિતિમાં કેન્દ્ર સરકારની કરની કુલ આવકમાં બે લાખ કરોડનો ઘટાડો થશે એવી ધારણા મુકી રહ્યા છ.ે

કેન્દ્ર સરકાર આ બાબતથી વાકેફ છેત્યારે હવે નાણા મંત્રાલય પણ નાણાખાધ ઘટશે એવી ધારણા સાથેની ચર્ચા કરી રહ્યું છે સરકાર પોતાની કરની આવક નહી. વધે તો સરકારી કંપનીઓમાં હિસે નાણા એકત્ર કરી શકે છે. પણ બાકીના સમયમાં આ કિમીયો કેટલો કારગત નીવડેએ જોવાનું રહ્યું શુક્રવારે નાણા મંત્રાલયની દેશી આઠ જેટલી સરકારી કંપનીઓમાં હિસ્સો વેચવા માટે બેઠક છે એના ઉપર સહુની નજર છે.

સરકાર અત્યારે ચાલુ નાણાકીય વર્ષમાં ખાધ ૩.૮ ટકા રહે એ ઉપરાંત આગામી વર્ષે પણ ખાધનો લક્ષ્યાંક પાછો ઠેલે એવી શકયતા વ્યકત કરી રહી છે.

(10:50 am IST)