Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

અનોખુ ગામ-અનોખી સજાઃ દારૂ પીતા કોઇ પકડાઇ તો રૂ.૨૦૦૦નો દંડઃ આખા ગામને દેવાની મટનની પાર્ટી

ગ્રામ પંચાયત નકકી કરે છે સજાઃ ભયથી દારૂ પીવાના બનાવો ઘટવા લાગ્યા

મુંબઇ, તા.૧૮: દારુ પીતા પકડયા તો કાયદો તો સજા કરે જ છે પરંતુ આ ગામમાં તો વ્યકિતને ગ્રામ પંચાયતે નક્કી કરેલી સજા પણ ભોગવવી પડે છે. એટલે કે દારુ પીતા પકડાવવું અહીં વ્યકિતને બહુ જ મોંદ્યું પડે છે. ગામના નીયમ મુજબ આવા વ્યકિતને ઘટનાસ્થળે જ રૂ.૨૦૦૦નો દંડ થાય છે. સાથે સાથે તેણે આખા ગામને મટન કરી અને બાટીની પાર્ટી આપવી પડે છે જે માટે વ્યકિતને ૨૦૦૦૦-૨૫૦૦૦ જેટલો ખર્ચ થાય છે.

બનાસકાંઠા જિલ્લાના અમિરગઢ તાલુકાના ખતિસિતારા ગામના વડિલોએ વર્ષ ૨૦૧૩-૧૪માં ગામમાં નિયમ બનાવ્યો કે દારુનું વ્યસન ગામના લોકોને ભરડામાં લઈ રહ્યું છે. તેના કારણે ગામમાં ઝગડા અને હત્યા જેવા ગંભીર ગુના પણ બન્યા છે. જેથી નિયમ બનાવ્યો કે શ્નજે કોઈ પીતા પકડાશે તેમને સ્થળ પર જ રૂ. ૨૦૦૦નો દંડ ભરવો પડશે અને જો કોઈ દંડની રકમ નહીં ભરે અને માથાકૂટ કરશે તો તેને રૂ. ૫૦૦૦નો દંડ થશે. તેમજ આ ઉપરાંત ગામમાં વસતા ૭૫૦થી ૮૦૦ લોકોને તે વ્યકિતએ મટન કરી અને બાટીની પાર્ટી આપવી પડશે. જે માટે અંદાજીત ૨૦૦૦૦ રૂપિયા જેટલો ખર્ચ થાય છે. તેમ ગામના સરપંચ ખિમજી ડુંગસિયાએ જણાવ્યું

તેમણે વધુમાં કહ્યું કે, 'દંડની રકમ અને આ પ્રમાણેની જોગવાઈ કરવાથી હવે ગામમાં જાહેરમાં દારુ પીને બબાલ કરવાની ઘટનામાં ઘટાડો જોવા મળે છે.' ૨૦૧૮માં તો આખા વર્ષમાં ગામમાં આવી એક જ ઘટના બની હતી અને ૨૦૧૯માં  હજુ સુધી એક પણ ઘટના બની નથી. છેલ્લે બાજુના એક ગામનો રહેવાસી નાનજી ડુંગસિયા દારુ પીને બબાલ કરતા પકડાયો હતો. મહત્વનું છે કે અહીંથી રાજસ્થાન બોર્ડર નજીક હોવાથી લોકોને ખૂબ જ સહેલાઈથી પાસે જ આવેલ રાજસ્થાનના ગામમાં દારુ મળી જતો હોય છે.

(9:52 am IST)