Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

આરોપમાં ફસાયેલા અકબરની રાજયસભા સીટ જવાના સંકેત

રાજયસભામાંથી પણ રાજીનામું આપવા દબાણ : ચારેબાજુથી દબાણ થયા બાદ અકબરે ભલે વિદેશ રાજય પ્રધાન તરીકે રાજીનામું આપ્યું છે પરંતુ હજુ વ્યાપક દબાણ

ભોપાલ,તા. ૧૮: મહિલા પત્રકારોની સાથે ખરાબ વર્તન અને જાતિય સતામણીના આરોપોનો સામનો કરી રહેલા એમજે અકબરે ચારેબાજુથી દબાણ થયા બાદ વિદેશ રાજ્યપ્રધાન તરીકે ભલે રાજીનામુ આપી દીધુ છે પરંતુ તેમના પર હજુ દબાણ અકબંધ છે. તેમની સામે મુશ્કેલી હાલમાં ઓછી ન થાય તેવ શક્યતા છે. કારણ કે હવે મઘ્યપ્રદેશના કેટલાક ભાજપ નેતાઓ ઇચ્છે છે કે અકબર હાલમાં રાજ્યસભામાંથી પણ રાજીનામુ આપે. હકીકતમાં અકબર મધ્યપ્રદેશમાંથી રાજ્યસભા સાંસદ તરીકે છે. ૨૮મી નવેમ્બરના દિવસે મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે ત્યારે ભાજપ હાલમાં યોજાનાર ચૂંટણીને ધ્યાનમાં લઇને કોઇ ખતરો લેવા માટે તૈયાર નથી. આવી સ્થિતીમાં પ્રદેશ ભાજપના કેટલાક નેતા હાઇ કમાન્ડ પર દબાણ લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ભાજપમાં સામેલ થયા બાદ અકબરને વર્ષ ૨૦૧૬માં રાજ્યસભામાં મોકલી દેવામાં આવ્યા હતા. અકબર ઉપરાંત મોદી કેબિનેટમાં ધર્મેન્દ્ર પ્રધાન પણ મધ્યપ્રદેશમાંથી જ રાજ્યસભા સભ્ય તરીકે રહ્યા છે. ટેલિગ્રાફ અને સન્ડે સ્થાપક એડિટર તરીકે રહી ચુકેલા અકબર ૧૯૮૯માં રાજનીતિમાં પ્રવેશ કરતા પહેલા મિડિયામાં એક મોટી હસ્તી તરીકે હતા. કોંગ્રેસની ટિકિટ ઉપર લોકસભાની ચૂંટણીમાં મેદાનમાં ઉતર્યા હતા અને સાંસદ બન્યા હતા.

અકબર ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીથી પહેલા ભાજપમાં સામેલ થયા હતા. મધ્યપ્રદેશમાંથી રાજ્યસભા સભ્ય અકબર જુલાઈ ૨૦૧૬માં વિદેશ રાજ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદથી વિદેશ રાજ્યમંત્રી તરીકે કામ કરી રહ્યા હતા. ૬૭ વર્ષીય અકબર એશિયન એજના પુર્વ એડિટર તરીકે હતા. સૌથી પહેલા રામાણીએ તેમની સામે આક્ષેપ મુક્યા હતા. ત્યારબાદ ધીમે ધીમે ૧૯ અન્ય મહિલાઓ પણ સપાટી ઉપર આવી હતી. આ ૧૯ મહિલાઓએ અકબર સાથે કામ કર્યું હતું.

અકબરની સામે ખુલ્લીરીતે મેદાનમાં આવેલી પત્રકારોમાં ફોર્સ મેગેઝિનના કારોબારી એડિટર ગજાલા વહાબ, અમેરિકી પત્રકાર મજલી ડે અને ઇંગ્લેન્ડની પત્રકાર રુથ ડેવિડનો સમાવેશ થાય છે. મી ટુ ઝુંબેશ હેઠળ એક પછી એક હસ્તીઓના નામ સપાટી ઉપર આવી રહ્યા છે. મલ્ટીપલ મિડિયા હાઉસમાંથી ઘણી મહિલા પત્રકારોએ તેમના ઉપર આક્ષેપો કર્યા હતા. ફેશન, મોડલિંગ, પત્રકારત્વ, કોર્પોરેટ હાઉસ, રમત-ગમત સહિતના ક્ષેત્રમાં ટોપ ઉપર રહેલી વ્યક્તિઓ સામે જાતિય સતામણીના આરોપો થઇ રહ્યા છે અને તેમના અસલી ચહેરા સપાટી ઉપર આવી રહ્યા છે. બોલીવુડના અનેક લોકો પણ સપાટી ઉપર આવી ચુક્યા છે. બોલીવુડના કલાકારો પણ મી ટુ હેઠળ મુશ્કેલીમાં મુકાયા છે. જેમાં અભિનેતા નાના પાટેકર, આલોકનાથ, નિર્માતા નિર્દેશક વિકાસ બહલ અન્યોનો સમાવેશ થાય છે. સાજીદ ખાન પણ ફસાઈ ચુક્યો છે. આલોક નાથે રાઇટર પ્રોડ્યુશર વિન્તા નંદાની સામે માનહાનિનો કેસ દાખલ કરી દીધો  છે. જાતિય સતામણીના આરોપોનો સામનો કરી રહેલા કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી એમજે અકબરે ગઇકાલે બુધવારે રાજીનામુ આપી દીધું હતું. અકબરે આરોપ મુકનાર પત્રકાર પ્રિયા રામાણીની સામે દિલ્હીની એક કોર્ટમાં માનહાનિનો કેસ પણ કર્યો છે. રવિવારના દિવસે વિદેશથી પરત ફરેલા અકબરે પોતાના ઉપર મુકવામાં આવેલા આક્ષેપોને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા. જાતિય સતામણીના આક્ષેપો કરનાર પત્રકારો પૈકી એક પ્રિયા રામાણીની સામે સોમવારના દિવસે અપરાધિક માનહાનિનો કેસ દાખલ કરાયો હતો. બીજી બાજુ પ્રિયા રામાણીના સમર્થનમાં ૨૦ મહિલા પત્રકારો આવી હતી.

(4:08 pm IST)