Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

ગોવામાં સ્લીવલેસ ડ્રેસને કારણે મહિલાને ચર્ચમાં ''નો એન્ટ્રી''

કર્ણાટકના મંદિરમાં લાગી શકે છે ડ્રેસ કોડનો નિયમ

પણજી તા.૧૮: ભારતના ઘણા મંદિરોએ ડ્રેસ કોડ રાખ્યા છે, કેટલાક તેનું સમર્થન કરે છે તો કેટલાક વિરોધ કરે છે. ગોવાના એક કેથેડ્રલ ચર્ચમાં એક મહિલાને સ્લીવલેસ ડ્રેસ પહેર્યો હોવાથી પ્રવેશ નહતો અપાયો.

ભકતોએ ડ્રેસ કોડનું પાલન કરવું પડે છે તેવા લીસ્ટમાં હમ્પીનું ૧૫મી સદીમાં  બનેલું વિરૂપણ મંદિર શામેલ થઇ શકે છે. મંદિર પ્રશાસને સરકારને ડ્રેસ કોડ લાગુ કરવાની માગણી કરી છે. સમાચાર અનુસાર હમ્પીના વિરૂપણ મંદિરના અધિકારી પ્રકાશ રાવે કહયું, '' ગયા મહિને એક નવો પ્રસ્તાવ મોકલાયો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે લોકો ટુંકા ડ્રેસ પહેરીને મંદિરમાં આવ છે.''

તેમણે કહયું કે જો મંદિરની પવિત્રતા જાળવી રાખવી હોય તો ડ્રેસ કોડ લાગુ કરવો જરૂરી છે. મંદિરમાં લોકો અવાર નવાર શોર્ટસ પહેરેલા જોવા મળે છેે. આ એક મોટું મંદિર છે અને પુજાનું મહત્વપુર્ણ સ્થાન છે. અહીં પુજા અને તેને લગતી કામગીરી આખો દિવસ થતી હોય છે. અમે ડ્રેસ કોડની માંગણી રજુ કરી છે. હજી સુધી અમે કોઇ ડ્રેસકોડ લાગુ નથી કર્યો.

જો ડ્રેસકોડ લાગુ કરાશે, તો પુરૂષોને ટ્રાઉઝર, ધોતી, કુર્તો, શર્ટ પહેરવાની પરવાનગી અપાશે જયારે મહિલાઓને સ્લીવલેસ કપડા પહેરવાની પરવાનગી નહીં અપાય. ફકત ફુલ લંબાઇ વાળા પેન્ટની જ પરવાનગી મળશે. મંદિરમાં રોજ સરેરાશ ૨૦૦૦ ભકતો આવે છે. અને સીઝન દરમ્યાન સંખ્યા વધી જાય છે.

સુત્રો અનુસાર, લગભગ ૬ વર્ષ પહેલા મંદિર દ્વારા એક સફેદ શાલ આપવાનો પ્રયાસ કરાયો હતો, જે ભકતોએ મંદિરમાં જતી વખતે ઓઢવાની હતી. (૧.૩)

(11:29 am IST)