Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

મુંબઈ લોકલમાં ઝેરી ગેસથી હુમલાની ખોફનાક યોજના : આતંકીઓની પૂછપરછમાં મોટો ખુલાસો : સુરક્ષા વધારી

મહારાષ્ટ્ર એટીએસ અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત કાર્યવાહીમાં મુંબઈના જોગેશ્વરીમાંથી એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ

દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે 14 સપ્ટેમ્બરે 6 આતંકવાદીઓની ધરપકડ કરી હતી. આ ધરપકડ બાદ જાણવા મળ્યું કે આ લોકો દિલ્હી, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં આતંકવાદી હુમલાની યોજના બનાવી રહ્યા હતા. આ પછી મુંબઈ સહિત દેશના તમામ પ્રમુખ અને મોટા શહેરોમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી.

આ દરમિયાન આજે સવારે મહારાષ્ટ્ર એટીએસ અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત કાર્યવાહીમાં મુંબઈના જોગેશ્વરીમાંથી એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે.

શકમંદનું નામ ઝાકિર છે. આ દરમિયાન વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત સમાચાર અનુસાર દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા 6 આતંકવાદીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે મુંબઈ લોકલ ટ્રેનોમાં ઝેરી ગેસ છોડવાની યોજના ઘડવામાં આવી હતી.

આ માહિતી સામે આવતા જ મુંબઈમાં હડકંપ મચી ગયો છે. ગુપ્તચર વિભાગ દ્વારા રેલવે પોલીસને આ અંગે જાણ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુપ્તચર વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી બાદ મુંબઈ લોકલ સાથે જોડાયેલા સ્ટેશનોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.

કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જોતા જ તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. રેલવે સ્ટેશનોના મુખ્ય પ્રવેશદ્વાર સિવાય અન્ય તમામ ગેટ બંધ કરવામાં આવ્યા છે. 14 સપ્ટેમ્બરે દિલ્હી પોલીસે દેશભરમાં હુમલાના કાવતરાનો ખુલાસો કર્યા બાદ મહારાષ્ટ્ર સરકારે સુરક્ષા વ્યવસ્થા સજ્જડ કરવાનો આદેશ આપ્યો હતો.

14 સપ્ટેમ્બરે દેશભરમાં આતંકવાદી હુમલાનું કાવતરું ઘડી રહેલા 6 આતંકીઓની દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ધરપકડ કરી હતી. રામનવમી, નવરાત્રી જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને તેમનો હેતુ ભીડભાડવાળી જગ્યાઓને નિશાન બનાવવાનો હતો.

આ માટે મુખ્યત્વે દિલ્હી, મુંબઈ અને ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં ગણતરી કરવામાં આવી હતી. આ અંતર્ગત મુંબઈમાં મુંબઈ લોકલ, ગિરગાંવ ચોપાટી, મરીન ડ્રાઈવની રેકી કરવામાં આવી હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા.

આ દરમિયાન મહારાષ્ટ્ર એટીએસ અને મુંબઈ ક્રાઈમ બ્રાંચે સંયુક્ત રીતે કાર્યવાહી દ્વારા આજે ) મુંબઈના જોગેશ્વરીમાંથી વધુ એક શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તેનું નામ ઝાકિર કહેવામાં આવી રહ્યું છે. અગાઉ દિલ્હી પોલીસ દ્વારા પકડાયેલા છ આતંકવાદીઓમાંના એક જાન મોહમ્મદ શેખનું પણ મુંબઈ કનેક્શન સામે આવ્યું હતું.

(10:16 pm IST)