Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

પંજાબના મુખ્યમંત્રીપદેથી કેપ્ટન અમરિંદરસિંહે રાજીનામું આપ્યું

ભાજપે કેટલાક રાજ્યોના મુખ્યમંત્રી બદલ્યા બાદ કોંગ્રેસ એક્શન મોડમાં : પંજાબમાં નેતૃત્વ બદલાય તો સુનીલ જાખર નવા મુખ્યમંત્રી બની શકે છે, પક્ષના સાહસિક નિર્ણયથી કાર્યકરો ઉત્સાહમાં, અકાલીઓને ફટકો

નવી દિલ્હી , તા.૧૮ : પંજાબના સીએમ અમરિંદર સિંહના રાજીનામા અંગેની અટકળોએ જોર પકડ્યું હતું. ત્યારે  રાજ્યપાલને મળ્યા બાદ કેપ્ટન અમરિંદર સિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. મુખ્યમંત્રી અમરિંદર સિંહને હાઇકમાન્ડ દ્વારા રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું હતું. સંદર્ભે કેપ્ટને આજે સોનિયા ગાંધી સાથે ફોન પર વાત કરી હતી. ચર્ચા દરમિયાન તેમણે કહ્યું કે તેઓ અપમાન સહન નહીં કરે. તે સમયે, અન્ય મોટા સમાચાર છે કે જો પંજાબમાં નેતૃત્વ બદલાય તો સુનીલ જાખર નવા મુખ્યમંત્રી બની શકે છે. આજે સુનીલ જાખરે એક ટ્વીટ કર્યું. જેમાં તેમણે લખ્યું હતું કે, 'પંજાબ કોંગ્રેસના વિવાદને ઉકેલવા માટે રાહુલ ગાંધીએ લીધેલા સાહસિક નિર્ણયથી કોંગ્રેસના કાર્યકરો ઉત્સાહિત છે. સાથે અકાલીઓ હચમચી ગયા છે.

મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહએ સવારથી ચાલી રહેલી હલચલ વચ્ચે રાજ્યસભાના સાંસદ પ્રતાપ બાજવા, લોકસભા સાંસદ ગુરજીત ઔજલા, જસબીર ડિમ્પા, ધારાસભ્ય રાણા ગુરજીત, રાણા ગુરમીત સોઢી અને અન્ય ધારાસભ્યો સાથે ફોન પર વાત કરી છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર દરેક સાથે વાત કરી રહ્યા છે અને તેમનો અભિપ્રાય લઈ રહ્યા છે. પંજાબમાં કોંગ્રેસ ધારાસભ્ય દળની મહત્વપૂર્ણ બેઠકથી પહેલા પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સુનિલ જાખરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે શનિવારે કહ્યું કે, રાહુલ ગાંધીએ પાર્ટીની રાજ્ય એકમમાં ગુંચવાયેલી ગુત્થીને ઉકેલીને જે રસ્તો અપનાવ્યો છે. તેનાથી ના માત્ર કોંગ્રેસ કાર્યકર્તાઓને મંત્રમુગ્ધ કરી દીધા છે, પરંતુ અકાલી (એડી) દળનો પાયો હચમચી ગયો છે.

કોંગ્રેસની પંજાબ એકમમાં ચાલી રહેલા તણાવ વચ્ચે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (એઆઈસીસી) ના નિર્દેશ પર શનિવારે સાંજે રાજ્યના કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે. કોંગ્રેસ મહાસચિવ અને પંજાબ મામાલાના પ્રભારી હરીશ રાવતે શુક્રવારે રાત્રે વિશે જાહેરાત કરી. બેઠકમાં અજય માકન અને હરીશ ચૌધરી ઓબ્જર્વર તરીકે હાજર રહેશે. તો બીજી તરફ કોંગ્રેસમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે સુનીલ જાખડે ટ્વિટરના માધ્યમથી પોતાની પ્રતિક્રિયા આપી. મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને પ્રદેશ કોંગ્રેસ કમિટિના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધૂ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા તણાવની પૃષ્ઠભૂમિમાં થઈ રહેલી ધારાસભ્ય દળની બેઠકના કારણે નેતૃત્વ પરિવર્તનની પણ અટકળો ચાલી રહી છે. જો કે, હજુ પાર્ટી તરફથી કંઈ કહેવામાં આવ્યું નથી. પંજાબમાં આગામી વર્ષ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પરંતુ પાર્ટીમાં જૂથવાદ ચરમ પર છે. હરીશ રાવતના તમામ પ્રયાસ બાદ પણ કેપ્ટન અમરિંદર અને નવજોત સિંહ સિદ્ધૂની વચ્ચે સમાધાન થઈ રહ્યું નથી.

(7:23 pm IST)