Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

કેપ્ટનની ખુરશી ખતરામાં ! રાજીનામુ માંગી લેવાશે ?

પંજાબમાં કોંગ્રેસના બખડજંતર : ધારાસભ્યોની બેઠક પૂર્વે કેપ્ટનની ધમકી : મને હટાવશો તો પક્ષને રામ-રામ કરીશ

આજે મોડેથી કોંગ્રેસ વિધાયક પક્ષની બેઠક : ૪૦ ધારાસભ્યોએ કેપ્ટન સામે ધોકો પછાડયો

ચંદીગઢ તા. ૧૮ : પંજાબ કોંગ્રેસમાં ફરી હલ્લાબોલ શરૂ થયું છે. મુખ્યમંત્રી અમરિંદરસિંહ વિરૂધ્ધ ૪૦ વિધાયકોએ મોર્ચો ખોલ્યા બાદ પક્ષે આજે બેઠક બોલાવી છે. આ બેઠક સાંજે ૫ વાગ્યે યોજાશે. બીજી બાજુ કેપ્ટન અમરિંદર સિંહ તેમના જુથના વિધાયકોની સાથે બપોરે બે વાગ્યે બેઠક કરશે.

સૂત્રોના જણાવ્યા મુજબ સીએમ કેપ્ટન અમરિંદર સિંહે સોનિયા ગાંધીને ફોન કરીને AICC દ્વારા વિશ્વાસમાં લીધા વગર કોંગ્રેસ વિધાયક દળની બેઠક બોલાવ્યા પર નારાજગી વ્યકત કરી છે. તેઓએ કહ્યું કે, જો આ જ રીતે પક્ષમાં તેને હાંસિયામાં નાખવામાં આવે તો સીએમ રહેવામાં ઇચ્છુક નથી. બીજી બાજુ સિધ્ધુ પક્ષ તરફથી કેપ્ટન અમરિંદરસિંહ વિરૂધ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની ચર્ચા છે. સૂત્રોના જણાવ્યા મુજબ વિધાયક નવજોતસિંહ સિધ્ધુ તેમજ સુનિલ જાખડનું નામ આગામી વિધાયક દળના નેતા તરીકે આગળ વધશે.

પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવત વિધાનસભા પક્ષની બેઠકમાં હાજરી આપશે. બે કેન્દ્રીય નિરીક્ષકો અજય માકન અને હરીશ ચૌધરી પણ આમાં હાજર રહેશે. પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ઘુએ પણ ટ્વિટ કરીને કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીની સૂચના પર, ૧૮ સપ્ટેમ્બરે વિધાનસભા પક્ષની બેઠક બોલાવવામાં આવી છે.

અહીં પંજાબ કોંગ્રેસના મહાસચિવ પરગત સિંહે સ્વીકાર્યું કે ધારાસભ્યોએ હાઈકમાન્ડને પત્ર લખ્યો હતો, જેના કારણે ગુરુવારે સીએલપીની બેઠક બોલાવવામાં આવી છે.

તેમણે કહ્યું કે આ કોઈના અહંકારનો પ્રશ્ન નથી. ધારાસભ્યો લાંબા સમયથી બેઠક કરવાની માંગણી કરી રહ્યા હતા, જે હજુ સુધી થઈ નથી. બીજી બાજુ, પરગટે સ્વીકાર્યું કે કોંગ્રેસમાં કોઈ જૂથવાદ નથી અને ધારાસભ્યોને કોઈ એજન્ડા આપવામાં આવ્યો નથી. માત્ર તેમને કોંગ્રેસ કાર્યાલયમાં આવવા અને બેઠકમાં હાજરી આપવા માટે કહેવામાં આવ્યું છે.

સિદ્ઘુના સલાહકાર મોહમ્મદ મુસ્તફાએ ટ્વિટ કરીને લખ્યું કે, ૨૦૧૭ માં પંજાબે અમને ૮૦ ધારાસભ્યો આપ્યા, પરંતુ દુખની વાત એ છે કે કોંગ્રેસ પાર્ટી પંજાબને સારો મુખ્યમંત્રી આપી શકી નથી. પંજાબના દુખ અને પીડાને સમજીને મુખ્યમંત્રીનો ચહેરો બદલવાનો સમય આવી ગયો છે.

(2:52 pm IST)