Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

૪૦ ધારાસભ્યો બળવાના મુડમાં

પંજાબમાં શું કેપ્ટન અમરિન્દરની ખુરશી જશે? આજે મહત્વની બેઠકમાં ફેસલો

ચંડીગઢ, તા.૧૮: પંજાબમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ સામે ૪૦ ધારાસભ્યોએ મોરચો ખોલ્યા બાદ પાર્ટીએ શનિવારે વિધાનસભા પક્ષની બેઠક બોલાવી છે. પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવત પણ આ બેઠકમાં હાજરી આપશે.

હરીશ રાવતે ટ્વીટ કરીને કહ્યું કે, પંજાબમાં મોટી સંખ્યામાં ધારાસભ્યોએ કોંગ્રેસ પાર્ટી પાસેથી પંજાબમાં વિધાનસભા પક્ષની બેઠક બોલાવવાની માંગ કરી છે. ૧૮ સપ્ટેમ્બરના રોજ પંજાબમાં પાર્ટી કાર્યાલય ખાતે કોંગ્રેસ વિધાયક દળની બેઠક યોજાશે. તમામ ધારાસભ્યોને આમાં ભાગ લેવાની અપીલ છે. પંજાબ કોંગ્રેસપ્રમુખ નવજોત સિંહ સિદ્ઘુએ પણ ટ્વીટ કરીને કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીની સૂચનાઓ પર, ૧૮ સપ્ટેમ્બરે વિધાનસભા પક્ષની બેઠક બોલાવવામાં આવી છે.

પંજાબમાં કેપ્ટન અમરિંદર સામે બળવાખોર સૂર ફરી એક વખત ઉગ્ર બન્યો છે. અહીં ૪૦ ધારાસભ્યોએ પાર્ટી હાઈકમાન્ડને પત્ર લખ્યો છે. પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં ધારાસભ્યોએ બે કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં વહેલી તકે વિધાનસભા પક્ષની બેઠક બોલાવવાની માંગ કરી છે.

નવજોત સિંહ સિદ્ઘુ કેમ્પના આ ધારાસભ્યોએ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં કેપ્ટન અમરિંદર સિંહની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે.પંજાબમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને પંજાબના પ્રભારી હરીશ રાવત પણ રાજયમાં શાંતિ લાવવામાં અસમર્થ છે.

તાજેતરમાં, ત્યાં ફરી એક વખત કેપ્ટન અમરિંદર સિંહ સામે વિરોધ વધ્યો છે. છેલ્લા ઘણા મહિનાઓથી નવજોત સિંહ સિદ્ઘુ અને કેપ્ટન અમરિંદર સિંહના જૂથ વચ્ચે રાજકીય ખેંચતાણ ચાલી રહી છે જે હજુ પણ અટકવાનું નામ નથી લેતી.

(11:53 am IST)