Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

આપણા પ્રાકૃતિક વારસાનું સરતાજ - ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય

સિંહોનું અવલોકન, બિમાર પડતા સિંહ, દિપડા, ઘોરખોદિયા, શેઢાળી, પક્ષીઓ, સરીસૃપોને સાજા કરવા, બચાવવા અને તંદુરસ્ત કરી ફરી જંગલમાં વિહરતા કરવાનું ભગીરથ કાર્ય વન વિભાગ કરી રહ્યું છે

ગીરના જંગલમાં વન વિભાગનું વાઇલ્ડલાઇફ મેનેજમેન્ટ દુનિયામાં ઉત્તમ માનવામાં આવે છે. જંગલમાં તળાવ, નદી, નાળા જેવા કુદરતી ઉપરાંત અકુદરતી જળસ્ત્રોત વન વિભાગ દ્વારા ઉભા કરવામાં આવે છે. જેમાં પાણીથી તરસ છીપાવતો સિંહ, સિંહણ અને પરિવાર, દિપડો નજરે પડે છે. નીચેની તસ્વીરમાં સિંહોનું જતન કરવા સતત સક્રિય વનકર્મીઓ, બિમાર સિંહની સારવાર અને વધુ સારવાર માટે સંરક્ષણ કેન્દ્રમાં લઇ જતા નજરે પડે છે. (ફોટો : ભુષણ પંડયા)

એશિયાઈ સિંહોનાં આખરી અસ્તિત્વ માટે વિશ્વ વિખ્યાત બનેલ ગીરનું જંગલ અનેક પ્રજાતિઓનાં વન્યજીવો, વૃક્ષો તથા વનસ્પતિઓનું રહેઠાણ છે, ગીરની આજુબાજુનાં ગામોનાં સેંકડો લોકોની જીવાદોરી છે. જંગલ વાતાવરણમાંથી અંગારવાયુ લઈ અને આપણને પ્રાણવાયુ આપે છે. જંગલને લીધે વાતાવરણને ઠંડક અને ભેજ મળે છે, તેમજ તે વરસાદ લાવે છે. તેથી જંગલને નદીઓની માતા સમાન ગણવામાં આવે છે. હાલ આપણે જલવાયુ પરિવર્તન (climate change) ની ગંભીર અસરો અનુભવી રહ્યા છીએ. વૃક્ષો અને જંગલો તેની સામે રક્ષણ આપે છે.

ગીર વિસ્તારને ૧૮ મી સપ્ટેમ્બર ૧૯૬૫ નાં દિવસે અભયારણ્ય જાહેર કરવામાં આવેલ. આજે તેને ૫૬ વર્ષ પૂરા થાય છે. આ યાદગાર દિવસે આપને તેનાં વિશે થોડી રસપ્રદ માહિતી આપું છું. અભયારણ્ય જાહેર કરવાથી તે વિસ્તારને ઘણી સારી રીતે રક્ષણ આપી શકાય છે. ગીરમાંથી બારેમાસ વહેતી સાત નદીઓ અને ચાર મોટાં ડેમ આવેલ છે, જે સેંકડો લોકોને પીવા તથા ખેતી માટે પાણી આપે છે. તાજેતરમાં આવેલાં અતિશય વિનાંશકારક તાઉતે વાવાઝોડાની ગતિ ગીરમાં અમુક જગ્યાએ થોડા સમય માટે ૨૦૦ કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુ નોંધાયેલ હતી. ગીરનાં ટેકરાળ વિસ્તારો અને અસંખ્ય મોટા વૃક્ષોએ તાઉતેની વિનાંશક શકિત ઘણી ઓછી કરી નાંખેલ હતી. આપણે કલ્પનાં પણ ન કરી શકીએ કે જો ગીરનું જંગલ ન હોત તો આ વાવાઝોડાને લીધે માનવ વસતીમાં કેટલી બધી તારાજી થઈ હોત! જોકે આપણા માટે એક કુદરતી સુરક્ષા દિવાલ તરીકે ઉભા રહેલ ગીરમાં આશરે ૯૪,૬૧,૦૦૦ (ચોરાણું લાખ એકસઠ હજાર) વૃક્ષો જમીનદોસ્ત થવાનાં અહેવાલો મળે છે.

૧૯૬૮ માં સિંહોની સંખ્યા ૧૭૭ હતી. તેમનાં ખોરાક માટે જરૂરી તૃણભક્ષી વન્યપ્રાણીઓની સંખ્યા તો ખૂબ જ ઓછી હતી. જેમકે ટપકાંવાળા હરણ (ચિતલ) ૧૦,૦૦૦ થી પણ ઓછાં હતા. અભયારણ્ય બન્યા પછી વન્યપ્રાણીઓની સંખ્યામાં સુધારો થતો આવ્યો છે. હાલ સિંહોની સંખ્યા ૭૦૦ થી વધારે છે. તેમની હોમ રેન્જ ૩૦,૦૦૦ ચોરસ કિલોમીટરમાં ફેલાઈ ગયેલ છે. ટપકાંવાળા હરણની સંખ્યા ૭૫,૦૦૦ થી વધારે છે. ૨૦૧૯માં કરાયેલ વસ્તી અંદાજ મુજબ ગીર અને તેની આજુબાજુનાં વિસ્તારોમાં રહેતા બધા જ તૃણભક્ષી વન્યપ્રાણીઓની સંખ્યા ૧,૫૫,૬૫૯ નોંધાયેલ છે. આશરે સવાસો વર્ષ પહેલા જૂનાંગઢનાં નવાબ સાહેબ રસુલખાનજી ત્રીજા દ્વારા શરૂ કરાયેલ સંરક્ષણનાં પ્રયાસો તેમનાં ઉત્તરાધિકારીઓએ જાળવી રાખેલ. ભારતની આઝાદી બાદની ઉત્તરોતર રાજ્ય અને કેન્દ્ર સરકારો દ્વારા ગીરને મજબૂત રક્ષણ આપવાની નીતિ જળવાઈ રહેલ. ઉપરાંત જાગૃત સમાચાર માધ્યમો, સ્થાનિક લોકો, વૈજ્ઞાનિકો તથા બિન સરકારી સંસ્થાઓ દ્વારા નોંધપાત્ર યોગદાન મળતું આવ્યું છે. આ બધાનાં સામૂહિક પ્રયાસોથી ગીરમાં હાલ ૩૯ પ્રજાતિનાં સસ્તન વર્ગનાં પ્રાણીઓ, ૩૬ પ્રજાતિનાં સરીસૃપો, ૩૦૦ જેટલી પ્રજાતિનાં  પક્ષીઓ, ૨,૦૦૦ પ્રજાતિનાં કીટકો અને ૬૦૬ જેટલી વનસ્પતિ/વૃક્ષો ની પ્રજાતિઓ જોવા મળે છે.

ગુજરાત રાજ્ય વન વિભાગ જંગલ અને તેનાં વન્યજીવોને રક્ષણ આપવા માટે તો ૨૪*૭ પ્રયત્નશીલ હોય જ છે. આપનામાંથી ઘણાં મિત્રોને ખ્યાલ નહીં હોય કે વન્યજીવો માટે સાસણ ગીર ખાતે આવેલ વન્યપ્રાણી વિભાગ (Wildlife Division) વન્યજીવોનાં સંચાલન (wildlife management) નાં જેટલા કાર્ય કરે છે, તે કદાચ વિશ્વમાં સૌથી વધારે પ્રકારનાં છે! સિંહોનું અવલોકન (monitoring), ઇજાગ્રસ્ત કે બીમાર પડતા સિંહ, દીપડા, ઘોરખોદિયા, શેઢાળી, પક્ષીઓ, સરીસૃપો, આરક્ષીત વિસ્તારોની બહાર આવેલાં અસંખ્ય ખુલ્લા કુવામાં અકસ્માતે પડી જતા વન્યજીવો, વિગેરેને સાજા કરવા કરવાનું, બચાવવાનું અને તંદુરસ્ત થયા પછી ફરીથી કુદરતી વાતાવરણમાં છોડવાનું (rescue, treatment and release),  વિગેરે  ભગીરથ કાર્યો સતત થઈ રહ્યાં છે. વન્યપ્રાણીઓ માટે જ સમર્પિત વિશ્વની સહુ પ્રથમ એમ્બ્યુલન્સ સેવા ગુજરાત રાજ્યે શરુ કરેલ છે. જે જે વિસ્તારોમાં પીવાનાં પાણીની અછત જણાય તે બધી જગ્યાએ કૃત્રિમ પાણીનાં સ્ત્રોત બનાંવવામાં આવે છે. તેમને નિયમિત સ્વચ્છ કરી, તાજું પાણી ભરવામાં આવે છે. તૃણભક્ષી પ્રાણીઓને તેમનાં ખોરાકમાંથી જરૂરી મીઠું ઓછું મળતું હોય છે. તેથી કૃત્રિમ પાણીનાં સ્ત્રોત પાસે આયોડીન યુકત મીઠાનાં ચોસલાં રાખવામાં આવે છે. ચોમાસાની ઋતુમાં ખૂબ જ ઘાંસ ઉગી જાય છે અને ત્યારબાદ ડિસેમ્બર આસપાસ સુકાઈ જાય છે. સુકા ઘાસમાં અકસ્માતે કે અન્ય કારણોસર જો આગ લાગે તો પ્રસરે નહિં, તે માટે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનનાં બધા જ આશરે ૫૭૦ કિલોમીટરનાં રસ્તાઓની બંને બાજુ ૧૫-૧૫ મીટરની પહોળાઈમાં ઘાંસને કાપી અને બાળી નાંખવામાં આવે છે. તેને ફાયર લાઈન કહેવામાં આવે છે. કુવાડીયો, લેન્ટેનાં કેમેરા, જેવી બિન ઉપયોગી વનસ્પતિઓનો નિકાલ કરવો, બહુ જ ગીચ ઝાડીવાળા વિસ્તારોને ખુલ્લા કરવા અને વૃક્ષોનાં પર્ણ ખાનાંરા પ્રાણીઓ (browsers) માટે નીચી ડાળીઓનું છેદન કરવું - જેથી નવી કૂંપળો ફૂટે - (thinning and pollarding), માલધારીઓનાં માલ-ઢોરનેં રસીકરણ કરવું, તાલીમ, રિસર્ચ અને મોનીટરીંગ, વિગેરે પ્રવૃત્તિઓ કરવી, ગીરની આજુબાજુનાં ગામોની શાળાઓનાં બાળકો માટે પ્રકૃતિ પ્રશિક્ષણ શિબીરોનું આયોજન કરવું, વિગેરે વન્યજીવ સંચાલનની અનેક અગત્યની પ્રવૃત્તિઓ વન્યપ્રાણી વિભાગ, સાસણ ગીર દ્વારા હાથ ધરવામાં આવે છે.

આજનાં શુભ દિવસે પ્રકૃતિનાં પાયાનાં સર્વે રક્ષકોને કોટી કોટી વંદન અને સલામ.

જય ગીર! જય કેસરી! 

અહેવાલ : ભૂષણ પંડ્યા.

 

ગીરમાં પ્રાણીઓ માટે ઉભા કરાયેલા જળસ્ત્રોતમાં પાણીથી ઠંડક અનુભવતી સિંહણે પોતાનો એક પંજો જે ઇંટ ઉપર રાખ્યો છે તે ઇંટ આયોડાઇઝડ છે. જંગલી પ્રાણીઓમાં ઉભી થતી મીઠા (સોલ્ટ)ની ઉણપ પૂરી કરવા વનવિભાગ દ્વારા આવી આયોડાઇઝડ ઇંટો પીવાના પાણીના કુદરતી - અકુદરતી જળસ્ત્રોત પાસે મુકવામાં આવે છે જેને ચાટી પ્રાણીઓ મીઠું મેળવે છે. (ફોટો : ભુષણ પંડયા)

સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડના સભ્ય જાણીતા વાઇલ્ડ ફોટોગ્રાફર અને પ્રકૃતિ પ્રેમી શ્રી ભુષણ પંડયાએ તેમની જિંદગીના ઘણા વર્ષો ગીરના જંગલોને ખુંદવામાં કાઢયા છે.

સિંહ, દિપડા, ચિત્તલ સહિતના વન્યજીવો, વૃક્ષો, વનસ્પતિઓના તેઓ અભ્યાસુ છે. સિંહોના ખોરાકમાં ૭૦% ચોપગા પ્રાણીઓ છે. જેમાંથી ૩૨% ચીતલ છે.

(11:56 am IST)