Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

ફરી ખતરાની ઘંટડી વાગીઃ કોરોનાના કેસમાં આવ્‍યો ઉછાળોઃ એક દિવસમાં ૩૫૦૦૦થી વધુ કેસ

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં રેકોર્ડ વેકસીનેશન વચ્‍ચે ૩૫૬૬૨ કેસઃ ૨૮૧ લોકોના મોત : કેરળમાં હજુ કોરોના ફુંફાડા મારે છેઃ ૨૪ કલાકમાં ૨૦૩૮૮ કેસ અને ૧૩૧ દર્દીઓના મોત

નવી દિલ્‍હી, તા. ૧૮ : ભારતમાં કોરોનાના કેસમાં રોજના આંકડાઓ જોઈએ તો ખાસ રાહત નજરે પડતી નથી, પરંતુ વચ્‍ચે વચ્‍ચે આ સંખ્‍યા વધવાથી ડરની સ્‍થિતિ બની રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૫૬૬૨ નવા કેસ નોંધાયા છે અને ૨૮૧ લોકોના મોત થયા છે. હજી ત્રીજી લહેરનો ખતરો ઉભો જ છે.
સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયના જણાવ્‍યા પ્રમાણે આ દરમિયાન ૩૩૭૯૮ લોકો સાજા થયા છે અને રીકવરી રેટ ૯૭.૬૫ ટકા છે. દેશમાં કુલ કોવીડ સંક્રમિતોની સંખ્‍યા વધીને ૩ કરોડ ૩૪ લાખ ૧૭ હજાર ૩૯૦ની થઈ છે. આજે સતત ત્રીજો દિવસ છે કે જ્‍યારે દૈનિક કેસ ૩૦ હજાર ઉપર બહાર આવ્‍યા છે. ગઈકાલે ૩૪૪૦૩ કેસ સામે આવ્‍યા હતા. ગઈકાલે જ દેશમાં રેકોર્ડબ્રેક ૨.૫ કરોડ વેકસીનના ડોઝ આપવામાં આવ્‍યા હતા.
દેશમા હાલ ૩૪૦૬૩૯ એકટીવ કેસ છે. જે કુલ કેસના ૧.૦૨ ટકા છે. દેશમાં વિકલી પોઝીટીવીટી રેટ ૨.૦૨ ટકા નોંધાયેલ છે જે પાછલા ૮૫ દિવસથી ૩ ટકાની નીચે છે.
અત્‍યાર સુધી કુલ ૫૫.૦૭ કરોડ સેમ્‍પલનું ટેસ્‍ટીંગ થયુ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૪૮૮૩૩ સેમ્‍પલની તપાસ થઈ હતી.
કેરળમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૦૩૮૮ નવા કેસ સામે આવ્‍યા છે અને ૧૩૧ દર્દીઓના મોત થયા છે. એકટીવ કેસ ૧૮૮૯૨૬ છે. મહારાષ્‍ટ્રમાં શુક્રવારે ૩૫૮૬ નવા કેસ આવ્‍યા હતા અને ૬૭ના મોત થયા હતા.

 

(10:52 am IST)