Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

મહારાષ્ટ્રમાં ફરી એક થશે શિવસેના અને ભાજપ? ઉદ્ધવના એક નિવેદનથી અટકળો તેજ

ભાજપના મંત્રીઓનો નામ સાથે ઉલ્લેખ કરીને ઉદ્ધવ ઠાકરેએ મજાક કરી કે પછી ભવિષ્‍યના રાજકીય ગઠબંધનનો અણસાર આપી દીધો? : ઉધ્‍ધવે ભાજપને ભાવિ મિત્ર ગણાવતા ખળભળાટ

મુંબઈ, તા.૧૮: શું શિવસેના અને ભાજપ મહારાષ્ટ્રમાં ફરી એક થઈ શકે છે? સીએમ ઉદ્વવ ઠાકરેએ હાલમાં જ આપેલા એક નિવેદનથી આ પ્રકારની અટકળો ફરી તેજ બની છે. ઠાકરેએ હાલમાં જ કેન્‍દ્રિય મંત્રી રાવસાહેબ દાણવે અને ભાગવત કરાડને ભવિષ્‍યના સંભવિત સાથી ગણાવ્‍યા હતા. આ બંને નેતા મહારાષ્ટ્રથી ભાજપના સાંસદ છે.
ઠાકરેના આ નિવેદનથી રાજકીય પંડિતો એ વાતને લઈને મૂંઝવણમાં છે કે ઠાકરેએ આ નિવેદન મજાકમાં આપ્‍યું છે કે આવનારા સમયમાં આકાર લેનારી એક રાજકીય શક્‍યતાનો અંદેશો વ્‍યક્‍ત કર્યો છે? બીજી તરફ, મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્‍દ્ર ફડણવીસે શિવસેના સાથેના જોડાણની અટકળોને ફગાવી દીધી છે.
ઔરંગાબાદમાં એક કાર્યક્રમમાં બોલતા ઠાકરેએ જણાવ્‍યું હતું કે, ‘મંચ પર બિરાજમાન મારા ભૂતપૂર્વ, હાલના અને જો અમે સાથે આવ્‍યા તો ભવિષ્‍યના સાથીઓ..' દાણવે હાલ કેન્‍દ્ર સરકારમાં રાજયકક્ષાના રેલવે મંત્રી છે, અને જાલનાના સાંસદ છે. જયારે કરાડ નાણાં રાજયમંત્રી છે.
ઠાકરેએ પોતાના ભાષણમાં જણાવ્‍યું હતું કે, ‘મને રેલવે એક કારણથી ખૂબ ગમે છે. તમે ટ્રેક છોડી નથી શકતા અને દિશા બદલી નથી શકતા. પરંતુ જો ડાયવર્ઝન હોય તો તમે અમારા સ્‍ટેશન પર આવી શકો છો. તેમાં એન્‍જિન ટ્રેક નથી છોડવાનું.
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટનો વિરોધ કરી રહેલી શિવસેનાના નેતા ઠાકરેએ એમ પણ કહ્યું હતું કે જો દાણવે મુંબઈ-નાગપુર બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટ શરુ કરાવવાના પ્રયાસ કરે તો તેઓ ચોક્કસ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટને સંપૂર્ણ ટેકો આપશે.
ઠાકરેનું આ નિવેદન એવા સમયે આવ્‍યું છે, જયારે ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે હાલમાં જ કહ્યું હતું કે તેમને પૂર્વ મંત્રી ના કહેવામાં આવે. વળી, હાલમાં જ ED દ્વારા શિવસેનાના નેતા અનીલ પરબને હવાલાના કેસમાં સમન્‍સ પણ પાઠવવામાં આવ્‍યું છે.
ઔરંગાબાદના કાર્યક્રમ બાદ પત્રકારોએ ઉદ્ધવ ઠાકરેને શિવસેના અને ભાજપના જોડાણ અંગે પ્રશ્નો પૂછ્‍યા હતા. જેના જવાબમાં તેમણે જણાવ્‍યું હતું કે સમય આવ્‍યે જ તેની ખબર પડશે. બીજી તરફ, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા દેવેન્‍દ્ર ફડણવીસે શિવસેના સાથે ફરી આવવાની વાતને ફગાવી દીધી હતી. જોકે, દાણવેએ આ અટકળોને હવા આપતું નિવેદન આપ્‍યું હતું.
ફડણવીસે જણાવ્‍યું હતું કે ભાજપ એક અસરકારક વિરોધ પક્ષ તરીકે કાર્ય કરી રહ્યો છે. ત્રણ રાજકીય પક્ષોના અકુદરતી ગઠબંધનથી બનેલી સરકાર હવે વધારે નથી ચાલવાની તેનું ભાન થતાં સીએમ ઉદ્ધવ ઠાકરે હવે આવી વાતો કરી રહ્યા છે.
શુક્રવારે મોડી સાંજે દાણવેએ શિવસેનાના મંત્રી અબ્‍દુલ સત્તાર સાથે મુલાકાત કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, સત્તારે સાથે આવવાની શક્‍યતાને નકારી નથી. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે શક્‍ય છે કે તેમને કોંગ્રેસ અને એનસીપીનો કોઈ અનુભવ થયો હોય.
જોકે, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નાના પટોલેએ આવી શક્‍યતાને નકારતા જણાવ્‍યું હતું કે મુખ્‍યમંત્રીને ક્‍યારેક મજાક કરવી પસંદ છે, અને આ વખતે પણ તેમણે એ જ કર્યું છે. પટોલેએ એવો પણ દાવો કર્યો હતો કે આ સરકાર પોતાનો કાર્યકાળ પૂરો કરશે તે નક્કી છે.

 

(10:29 am IST)