Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

ઓસ્ટ્રેલિયાની ચેતવણી

વિશ્વ પર મંડરાઇ રહ્યો છે મોટા યુધ્ધનો ખતરોઃ ચીનની હરકતોને કારણે થશે જંગ !

ઓસ્ટ્રેલિયાના રક્ષા મંત્રી પીટર ડટનએ કહ્યું કે ચીન જે પ્રકારના અભિગમ અપનાવી રહ્યું છે તેના કારણે યુધ્ધની આશંકા પ્રબળ થઇ ગઇ છે

સિડની,તા. ૧૮:ચીનની દાદાગિરીને કારણે મોટા યુદ્ઘની આશંકા ઉભી થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ સ્વીકાર્યું છે કે ચીન સાથે યુદ્ઘ થઈ શકે છે. ઓસ્ટ્રેલિયાના રક્ષા મંત્રી પીટર ડટનએ કહ્યું કે ચીન જે પ્રકારના અભિગમ અપનાવી રહ્યું છે તેના કારણે યુદ્ઘની આશંકા પ્રબળ થઈ ગઈ છે. ચીન આ યુદ્ઘમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે છે અને બ્રિટન ને પણ તેમાં ખેંચી શકે છે. ડટને એમ પણ કહ્યું કે ઓસ્ટ્રેલિયાએ યુદ્ઘની તૈયારી શરૂ કરવી જોઈએ.

'ધ સન'ના અહેવાલ મુજબ અમેરિકા અને બ્રિટન સાથે સૈન્ય કરાર કર્યા બાદ ઓસ્ટ્રેલિયાએ ચીન સાથે યુદ્ઘની આશંકા વ્યકત કરી છે. ઓસ્ટ્રેલિયાના રક્ષા મંત્રી પીટર ડટન એ સ્વીકાર્યું છે કે તાઈવાનને લઈને ચીન સાથે યુદ્ઘ થવાની પ્રબળ સંભાવના છે. તેમણે ચીની મીડિયાને ટાંકીને કહ્યું કે પ્રશાંત મહાસાગરમાં ચીનની દ્યણી સબમરીન પેટ્રોલિંગ કરી રહી છે. આવી સ્થિતિમાં આ સબમરીન ઓસ્ટ્રેલિયાને પરમાણુ હુમલાનું નિશાન બનાવી શકે છે.

ઓસ્ટ્રેલિયાના રક્ષા મંત્રી આ દિવસોમાં AUKUS કરારના સંદર્ભમાં અમેરિકા (US) માં છે. તેમણે કહ્યું કે નવું જોડાણ ઓસ્ટ્રેલિયાને ઓછામાં ઓછી આઠ પરમાણુ સબમરીન અને અન્ય અદ્યતન લશ્કરી ટેકનોલોજી આપશે. તેમણે આ કરારને પ્રદેશમાં શાંતિ સ્થાપિત કરવા માટે જરૂરી ગણાવ્યો. જોકે, એવી આશંકા હતી કે ચીન શાંતિને બદલે યુદ્ઘની સ્થિતિ સર્જી શકે છે. ડટનએ કહ્યું કે 'ચીનીઓ તાઇવાનના સંદર્ભમાં તેમના ઇરાદાઓ વિશે ખૂબ જ સ્પષ્ટ છે. યુએસ પણ તાઇવાન પ્રત્યેના તેના ઇરાદાઓ વિશે ખૂબ જ સ્પષ્ટ છે. કોઇપણ સંઘર્ષ જોવા માંગતું નથી, પરંતુ ખરેખર ચીનીઓ માટે તે એક પ્રશ્ન છે.

દરમિયાન, બોરિસ જોનસનએ દક્ષિણ ચીન સાગરની લડાઈમાં બ્રિટનને સામેલ કરવાની આશંકા વચ્ચે સંસદમાં AUKUS કરારમાં જોડાવાનો બચાવ કર્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે બ્રિટન આંતરરાષ્ટ્રીય કાયદાનું રક્ષણ કરવા માટે સંકલ્પબદ્ઘ છે અને તે મુજબ કાર્યવાહી કરશે. આ દરમિયાન ચીનના વિમાનોએ ફરી એકવાર તાઇવાન સરહદમાં દ્યૂસણખોરી કરી હતી. તાઇવાને અહેવાલ આપ્યો છે કે આઠ ચીની ફાઇટર જેટ અને બે સપોર્ટ એરક્રાફ્ટ તેની સરહદમાં પ્રવેશ્યા છે. તમને જણાવી દઈએ કે ચીનની આ હરકતોને કારણે આ ક્ષેત્રમાં તણાવ વધી રહ્યો છે.

ઓકસ હેઠળ યુએસ અને બ્રિટનની મદદથી ઓસ્ટ્રેલિયા પરમાણુ ઉર્જાથી સંચાલિત સબમરીનનો કાફલો બનાવશે. જેનો ઉદેશ્ય હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં સ્થિરતાને વધારવાનો છે. જયારથી આ કરારના સમાચાર સામે આવ્યા છે, ચીન બોખલાયું છે. તેમનું કહેવું છે કે આ કરાર પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાને ખોખલી કરશે. તેમની તરફથી એમ પણ કહેવામાં આવ્યું હતું કે ત્રણેય દેશ શીત યુદ્ઘની માનસિકતા સાથે કામ કરી રહ્યા છે. આ હથિયારોની સ્પર્ધા તરફ દોરી જશે અને અપ્રસાર માટે આંતરરાષ્ટ્રીય પ્રયાસોને નુકસાન પહોંચાડશે.

(10:09 am IST)