Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

જમ્મુ કાશ્મીરના વિવાદિત શોપીયા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ૩ શ્રમિકોના મોત બદલ ભારતીય સેનાએ જવાનોને દોષિત ઠેરવ્યા

સેના તરફથી જવાનો સામે કોર્ટ ઓફ ઇન્કવાયરી હેઠળ કાર્યવાહી થશે

શ્રીનગર : જમ્મુ કાશ્મીરના શોપિયામાં માર્યા ગયેલા ૩ લોકોની ઘટનામાં ભારતીય સેનાએ ત્રણ જવાનોને દોષિત ઠેરવ્યા હોવાનું જાણવા મળેલ છે.

સેના તરફથી કોર્ટ ઓફ ઇન્ક્વાયરી (court of inquiry)ને જાણવા મળ્યું કે સૈનિકોએ આર્મ્ડ ફોર્સેસ એક્ટ હેઠળ મળેલા અધિકારોનું ઉલ્લંઘન કર્યું. સંરક્ષણ મંત્રાલયના એક પ્રવક્તાએ જણાવ્યું કે,

“સેના તરફથી ઓપરેશન અમશીપોરા (Amshipora Encounter)ને લઇને કરવામાં આવી રહેલી તપાસ પૂર્ણ થઇ ગઇ છે. પ્રાથમિક તપાસમાં સંકેત મળ્યા છે કે AFSPA 1990ની સત્તાનો દુરુપયોગ થયો છે અને સુપ્રીમ કોર્ટ તરફથી આપવામાં આવેલા આદેશોનું ઉલ્લંઘન થયું છે.”

ઘટનાની ફરિયાદ મળ્યા પછી આર્મી એક્ટ હેઠળ તપાસ શરૂ કરવામાં આવી અને જે લોકો પ્રાથમિક તપાસમાં દોષિત જણાયા, તેમની વિરુદ્ધ અનુશાસત્મક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે મળેલા પુરાવા અને સાક્ષીના આધારે સંકેત મળ્યા છે કે ઓપરેશન અમશીપોરામાં માર્યા ગયેલા ત્રણ અજાણ આતંકી ઇમ્તિયાઝ અહમદ, અબરાર અહમદ અને મોહમ્મદ ઇબરાર હતા, જે રાજૌરીમાં વસવાટ કરતા હતા. નિવેદન મુજબ, ડીએનએ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. આ ત્રણેયની આતંકવાદ અથવા તેના સાથે સંબંધિત ગતિવિધિઓની તપાસ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે એન્કાઉન્ટર(Amshipora Encounter) બાદ આ ત્રણેય યુવકોના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિવાદ વકર્યો હતો. પરિવારે તેમની ઓળખ ત્રણ કઝિન તરીકે કરી હતી જે શોપિયાં જિલ્લાના ચૌગામ ગામમાં ભાડાના ઘરમાંથી ગુમ થઇ ગયા હતા. પરિવાર મુજબ, 17 વર્ષિય અબરાર, 25 વર્ષિય ઇમ્તિયાઝ અને 20 વર્ષીય ઇબરાર શ્રમિક હતા અને કામ માટે શોપિયાં ગયા હતા.

(10:15 pm IST)