Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

વૈજ્ઞાનિકોને કોરોનાનો ખાત્મો કરતા એન્ટિબોડીઝ મળ્યા

આ ડ્રગનું નામ એબી૮ છે : ડ્રગ કોરોનાને શરીરની કોશિકાઓ સાથે જોડવા નહિ દે તેમજ તેની કોઈ પણ આડઅસર હાલ જોવા મળી નથી

કેનેડા,તા.૧૮ : કેનેડાના સંશોધકોએ કોરોનાવાઈરસનો સંપૂર્ણ રીતે નાશ કરતા એક મોલીક્યુલની શોધ કરી છે. તેનું કદ સામાન્ય એન્ટિબોડી કરતાં ૧૦ ગણું નાનું છે. આ ડ્રગનું નામ એબી૮ છે. તેનો ઉપયોગ કોરોનાની સારવારમાં કરી શકાય છે. રિસર્ચ કરનાર કેનેડાની બ્રિટિશ કોલમ્બિયા યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે, આ ડ્રગ કોરોનાને શરીરની કોશિકાઓ સાથે જોડવા નહિ દે અને તેની કોઈ પણ આડઅસરો જોવા મળી નથી. રિસર્ચમાં સામેલ ભારતીય વૈજ્ઞાનિક શ્રીરામ સુબ્રહમણ્યમને જાણવા મળ્યું કે ઉંદરોને આ દવા આપી કોરોનાની સારવાર કરી શકાય છે. તે ખૂબ નાનો મોલીક્યુલ છે, જે કોરોનાને ન્યૂટ્રિલાઈઝ કરે છે. આ દવાને ઘણા પ્રકારે દર્દીને આપી શકાય છે. ડ્રગને સૂંઘીને પણ દર્દી તેના શરીરમાં લઈ શકે છે. રિસર્ચર જોન મેલર્સ જણાવે છે કે, એબી૮ કોવિડ-૧૯ના દર્દીઓમાં થેરપીનું કામ કરશે.

માણસોમાં એન્ટિબોડીનો એક ભાગ વીએસ ડોમેન સાથે મળીને બન્યો હોય છે. આ એબી૮ પણ એવો જ છે. હાલ કોરોના સર્વાઈવરના પ્લાઝ્માથી કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. તેમના પ્લાઝ્મામાં રહેલી એન્ટિબોડી કોરોના સામે રક્ષણ આપી શકે છે, પરંતુ એટલી માત્રામાં પ્લાઝ્મા પૂરતા નથી હોતા કે મોટા પાયે દર્દીઓની સારવાર થઈ શકે. તેથી રિસર્ચર જનિનને અલગ કરી અન્ટિબોડી કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે કોરોનાને બ્લોક કરી શકે. આવી એન્ટિબોડીનું ઉત્પાદન કરવાની તૈયારી ચાલી રહી છે. એન્ટિબોડી પ્રોટીનથી બનેલી ખાસ પ્રકારની ઈમ્યુન કોશિકાઓ હોય છે, જેને બી-લિમ્ફોસાઈટ પણ કહેવાય છે. જ્યારે કોઈ ફોરેન બોડીઝ શરીરમાં પહોંચે છે તો તે અલર્ટ થઈ જાય છે. બેક્ટેરિયા અથવા ઝેરી પદાર્થોને નિષ્ક્રિય કરવા માટે આ એન્ટિબોડી કામ કરે છે. તે શરીરની રક્ષા કરી તમામ પ્રકારના ખરાબ બેક્ટેરિયા અને વાઈરસની અસરકારકતા નહિવત કરે છે.

(7:19 pm IST)