Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

નાણાંકીય શેરોમાં નરમાઈથી સેંસેક્સ ૧૩૪ પોઈન્ટ તૂટ્યો

ડોલર સામે રૂપિયો ૨૧ પૈસા મજબૂત : કોટક બેંક, બજાજ ફિનસર્વ, મારુતિ સુઝુકી, ટાઇટન, એસબીઆઇ, એચડીએફસી, ટાટા સ્ટીલના ભાવ ઘટ્યા

મુંબઈ, તા. ૧૮ : મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે બીએસઈના ૩૦ શેરો વાળા સંવેદનશીલ સૂચકાંક 'સેન્સેક્સ'  ૫૬૪..૬ પોઇન્ટના દાયરામાં રહ્યો અને છેલ્લે તે ૧૩૪.૩ પોઇન્ટ એટલે કે ૦.૩૪ ટકા ઘટીને ૩૮,૮૪૫.૮૨ પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો. એ જ રીતે, એનએસઈ નિફ્ટી ૧૧.૧૫ અંક એટલે કે ૦.૧૦ ટકા તૂટીને ૧૧,૫૦૪.૯૫ પર બંધ થયો છે. સેન્સેક્સ કંપનીઓમાં એચડીએફસી બેક્ન બે ટકાથી વધુ ઘટ્યો છે. આ સિવાય કોટક બેંક, બજાજ ફિનસર્વ, મારુતિ સુઝુકી, ટાઇટન, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ), હિન્દુસ્તાન યુનિલિવર, એચડીએફસી અને ટાટા સ્ટીલ પણ ઘટ્યા છે. જોકે, ભારતી એરટેલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એનટીપીસી, ટેક મહિન્દ્રા, સન ફાર્મા અને પાવરગ્રિડના શેરોમાં તેજી જોવા મળી છે. વેપારીઓના મતે નાણાકીય કંપનીઓના શેરોમાં ઘટાડો અને વિદેશી રોકાણકારો દ્વારા વેચાણથી સારી  શરૂઆત છતાં સ્થાનિક શેર બજારોમાં ગિરાવટ જોવા મળી હતી. શેરબજારના આંકડા મુજબ, વિદેશી પોર્ટફોલિયોના રોકાણકારો (એફપીઆઈ) એ ગુરુવારે ૨૪૯.૮૨ કરોડ રૂપિયાનું ચોખ્ખું વેચાણ કર્યું છે. આ દરમિયાન ચીનના શાંઘાઈ કમ્પોઝિટ, દક્ષિણ કોરિયાના કોસ્પી અને જાપાનની નિક્કી વૃધ્ધિ સાથે બંધ રહ્યા. શરૂઆતના વેપારમાં યુરોપિયન બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. ક્રૂડ તેલનો વૈશ્વિક બેંચમાર્ક બ્રન્ટ ક્રૂડ ૦.૩૯ ટકાના વધારા સાથે ૪૩.૪૭ ડોલર પર પ્રતિ બેરલનો કારોબાર રહ્યો છે. વિદેશી વિનિમય બજારમાં રૂપિયો ૨૧ પૈસા મજબૂતી સાથે યુએસ ડોલર સામે ૭૩.૪૫ ની સપાટીએ બંધ રહ્યો છે.

સ્થાનિક શેરબજારમાં તેજી અને યુએસ ડોલરના નબળા વલણના પગલે શુક્રવારે ડોલર સામે રૂપિયો ૨૧ પૈસા મજબૂતી સાથે ૭૩.૪૫ ની સપાટીએ બંધ રહ્યો હતો. ઇન્ટરબેક્ન વિદેશી વિનિમય બજારમાં, સ્થાનિક ચલણ યુએસ ડોલરની સામે ૭૩.૪૭ના ભાવ પર ખુલ્યું હતું અને કારોબારના અંતે ૭૩..૪૫ ના સ્તરે હતું, કે જે અગાઉના બંધ ભાવની તુલનામાં ૨૧ પૈસાની મજબૂતાઈ દર્શાવે છે. દિવસના કારોબાર દરમિયાન રૂપિયોએ ૭૩.૧૫ ની ઊંચી સપાટી અને  ૭૩..૫૫ ની નીચી સપાટીએ જોઈ હતી. ગુરુવારે ડોલર સામે રૂપિયો ૧૪ પૈસા તૂટીને ૭૩.૬૬ ની સપાટીએ બંધ રહ્યો હતો. દરમિયાન, છ મોટી કરન્સી સામે  યુએસ ડોલરની સ્થિતિ દર્શાવતો ડોલર ઇન્ડેક્સ  ૦.૧૨ ટકા ઘટીને ૯૨.૮૫ પર આવી ગયો. શેરબજારના આંકડા મુજબ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ગુરુવારે એકંદર ધોરણે ૨૪૯.૮૨ કરોડના શેર ખરીદ્યા છે. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ, વૈશ્વિક ઓઇલ બેંચમાર્ક ૦.૫૧ ટકા વધીને ૪૩.૫૨ યુએસ ડોલર પ્રતિ બેરલના સ્તરે છે.

(7:16 pm IST)