Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

કૃષિ બિલ ખેડૂત વિરોધી નથી, વિપક્ષો અફવા ફેલાવે છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

સમગ્ર દેશમાં ખેડૂતોએ આંદોલન શરૂ કરતાં સરકાર ચોંકી ઉઠી : બિલથી ખેડૂતો અને ગ્રાહકો વચ્ચેના વચેટિયાઓ ખતમ થશે, જેનો ફાયદો ખેડૂતોને થશે, કેટલાક ખાલી વિરોધ માટે જ વિરોધ કરી રહ્યા છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, તા. ૧૮ : સંસદમાં રજૂ થયેલા કૃષિ બિલના પગલે એનડીએની અંદર જ સંગ્રામ છેડાયો છે. આ બિલના વિરોધમાં અકાલી દળના નેતા અને મોદી સરકારમાં મંત્રી હરસિમરત કૌરે મંત્રી મંડળમાંથી રાજીનામું આપી દીધું છે તો સમગ્ર દેશમાં ખેડૂતોએ સરકારના આ બિલ સામે વિરોધ અને આંદોલન શરૂ કર્યું છે. દિલ્હીમાં પંજાબ અને હરિયાણાના હજારો ખેડૂતો ઉતરી પડ્યા છે. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બિલને પાસ કરવા માટે મકક્મ છે. ઉલટાનું તેમણે અકાલી દળ અને કોંગ્રેસ પર પ્રહારો કરીને કહ્યું હતું કે, બિલનો વિરોધ કરનારા લોકો લઘુત્તમ ટેકાના ભાવ અને સરકારી ખરીદીની વ્યવસ્થા ખતમ થઈ જશે તેવી અફવા ફેલાવી રહ્યા છે અને ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

તેમણે કહ્યું હતું કે, બિલના કારણે ખેડૂતો અને ગ્રાહકો વચ્ચેના વચેટિયાઓ ખતમ થઈ જશે, જેનો સીધો ફાયદો ખેડૂતોને થશે પણ કેટલાક લોકોને ખાલી વિરોધ જ કરવો છે એટલે બિલનો વિરોધ કરી રહ્યા છે. બિહારમાં કોસીમાં રેલવે પુલના ઉદઘાટન પ્રસંગે મોદીએ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યુ હતુ કે, આ બિલના કારણે ખેડૂતોને અનેક બંધનોથી મુક્તિ મળી છે.ખેડૂતોને પોતાની ખેત પેદાશો વેચવા માટે વધારે વિકલ્પ મળશે અને તેમની આવક વધશે.ખેડૂતોને લલચાવવા માટે ચૂંટણી સમયે મોટા  મોટા વાયદા કરનારા વિરોધ પક્ષો ચૂંટણી બાદ આ વાયદા ભુલી જતા હતા. હવે જ્યારે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે સારુ કામ કરી રહી છે ત્યારે વિપક્ષો ભ્રમ ફેલાવી રહ્યા છે.જે બદલાવનો વિરોધ થઈ રહ્યો છે તે જ બદલાવ લાવવાની વાતો વિપક્ષોએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં કરી હતી.જોકે હવે એનડીએ સરકારે આ બદલાવ કર્યો છે એટલે વિપક્ષો તેનો વિરોધ કરી રહ્યા છે.

તેમણે કહ્યું હતું કે, બિલનો વિરોધ કરનારા લોકોથી ખેડૂતો સાવધ રહે.આજે હું ખેડૂતોને કહેવા માંગું છું કે, કોઈ જાતના ભ્રમમાં ના રહેતા.જેમણે દાયકાઓ સુધી દેશ પર રાજ કર્યુ અને તેઓ આજે ખેડૂતોને જુઠ્ઠુ બોલી રહ્યા છે.આ લોકો જ છે જે ખેડૂતોને બંધનોમાં જકડી રાખવા માંગે છે અને ખેડૂતોની કમાણી લૂંટી જનારા વચેટિયાઓ માટે બિલનો વિરોધ કરી રહ્યા છે.ખેડૂતને તેની પેદાશ કોઈ પણ જગ્યાએ અને કોઈને પણ વેચવાની આઝાદી આપવાનો નિર્ણય બહુ ઐતિહાસિક છે.ભારતનો ખેડૂત હવે બંધનોમાં નહી પણ મુક્ત થઈને ખેતી કરશે.

(7:15 pm IST)