Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

નાથદ્વારામાં મનોરથનાં દર્શન નહીં : દ્વારકામાં આવતા ૩૦ ટકા લોકો

અધિક માસમાં જગન્નાથપુરીમાં કોઇ મોટુ઼ આયોજન નહીં

નવી દિલ્હી,તા. ૧૮: આજથી અધિક માસનો પ્રારંભ થઇ રહ્યો છે. આ મહિનો ભગવાન કૃષ્ણની ભકિતનો ગણાય છે. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે દેશના ચાર સૌથી મોટાં કૃષ્ણ મંદિરમાં અધિક માસની કોઇ ધૂમ નહીં હોય. રાજસ્થાનના નાથદ્વારના શ્રીનાથજી મંદિર, ગુજરાતના દ્વારકાધીશ, પુરીના જગન્નાથ મદિર અને આંધ્રના તિરૂપતિ બાલાજીમાં એવો માહોલ નહીં હોય, જેવો ૨૦૧૮ના અધિક મહિનામાં હતો.

નાથદ્વારા સ્થિત શ્રીનાથજી મંદિર પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોની આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે. આ મંદિરનું પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ છે. મંદિરમાં અધિક માસ આયોજન સમિતિનું કામ કરી રહેતા પં. સુધાકર ઉપાધ્યાયે જણાવ્યું કે ભગવાનનો મનોરથ દર અધિક માસની જેમ જ થશે. પરંતુ કોરોનાના કારણે બહારની કોઇ વ્યકિતને પ્રવેશ નહીં મળે. લાઇવ દર્શનની પણ વ્યવસ્થા નથી.

દ્વારકાના જગત મંદિરમાં દર્શન તો શરૂ થઇ ગયાં છે. પરંતુ હજુ ૩૦ ટકા લોકો જ દર્શન કરવા આવી રહ્યા છે. અહીં કોરોનાના લીધે રોજ માત્ર ૩,૦૦૦ લોકોને જ દર્શનનો લાભ મળે છે. અધિક મહિનામાં પણ તેનાથી વધુ સંખ્યામાં લોકો નહીં આવી શકે. કોરોના ગાઇડલાઇન્સના પાલન સાથે તમામ મનોરથ પૂર્ણ થશે.

જગન્નાથપુરીમાં આ વર્ષે અધિક માસનું કોઇ વિશેષ આયોજન નહીં થાય. રોજની જેમ મંદિરમાં દૈનિક પુજા અને અનુષ્ઠાન જ થશે. લગભગ ૬ મહિનાથી બંધ મંદિરમાં અત્યારે શ્રદ્વાળુઓની એન્ટ્રી પણ નથી.

આંધ્રપ્રદેશના તિરૂપતિ બાલાજી મંદિરમાં આ વર્ષે અધિક માસમાં બ્રહ્મોત્સવનું આયોજન થઇ રહ્યું છે. આ ઉત્સવ દર વર્ષની જેમ ભવ્ય નહીં હોય, કેમ કે લોકોની સંખ્યા સીમિત જ હશે. દર વર્ષે બ્રહ્મોત્સવમાં કરોડોનો ખર્ચ કરાય છે.અને દેશ-દુનિયાના લોકો દર્શન કરવા આવે છે.

(3:36 pm IST)