Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

વ્હિસ્કીની એક બોટલ કસ્ટમ્સ ઓફિસરને રૂ. ૩૮,૦૦૦માં પડી

મુંબઈ,તા.૧૮: વ્હિસ્કીની બોટલ ઓનલાઇન ખરીદવાનું કસ્ટમ્સ ઓફિસરને ભાડે પડી ગયું હતું. દુકાનના કર્મચારી હોવાનું જણાવીને અજાણી વ્યકિતએ ઓનલાઇન છેતરપિંડી આચરી હતી. આ પ્રકરણે એમઆરએ માર્ગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો.

૫૬ વર્ષનો કસ્ટમ્સ ઓફિસર અમુક સપ્તાહ પહેલા ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે દક્ષિણ મુંબઈની એક રેસ્ટોરાં બહાર તેણે ચા પીધી હતી. એ સમયે તેને વ્હિસ્કીની બોટલ ખરીદવાનું યાદ આવ્યું હતું. આથી તેણે મિત્રને ફોન કરીને વાઇન શોપનો નંબર માગ્યો હતો. મિત્ર પાસેથી નંબર લીધા બાદ તેણે સંપર્ક સાધ્યો હતો અને આ નંબર વાઇન શોપનો છે કે? એવું પૂછ્યું હતું. સામેથી હા જવાબ મળતાં તેણે વ્હિસ્કીની બોટલ પાર્સલ મોકલવાનું કહ્યું હતું. જોકે અમે ઓનલાઇન પેમેન્ટ સ્વીકારતા હોવાનું સામેની વ્યકિતએ કહ્યા બાદ અધિકારીએ સીવીસી નંબર અને કાર્ડની અન્ય માહિતી સામેની વ્યકિતને આપી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર શરૂઆતમાં અધિકારીના ખાતામાંથી રૂ. ૨,૭૩૦ ડેબિટ થયા હતા. અધિકારીએ જે રેસ્ટોરાંની બહાર ચા પીધી હતી ત્યાં વ્હિસ્કીની બોટલ પહોંચાડવાનું તેણે કહ્યુંહતું. મોબાઇલમાં મેસેજ ચેક કરવા પહેલા જ અધિકારીને ફરી ફોન આવ્યો હતો અને ટ્રાન્ઝેકશન થયું ન હોવાનું જણાવીને મોબાઇલ પર આવેલો ઓટીપી તથા અન્ય માહિતી સામેની વ્યકિતએ અધિકારી પાસે માગી હતી. થોડા સમય બાદ અધિકારીના ખાતામાંથી રૂ. ૩૬,૦૮૪ કાઢી લેવામાં આવ્યા હતા. એક ટ્રાન્ઝેકશન ગુરુગ્રામથી અને બીજું મુંબઈથી કરાયું હતું.

(11:44 am IST)