Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

ઉત્તર પ્રદેશમાં એક વિચિત્ર કેસ સામે આવ્યો

જેની હત્યાના આરોપમાં જેલની સજા કાપી રહ્યા છે આરોપીઓઃ તે મહિલા ૧૨ વર્ષે જીવતી મળી

કાનપુર,તા.૧૮:ઉત્ત્।ર પ્રદેશના જાલાઉં જિલ્લામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. જલાઉં જિલ્લાના કલ્પી શહેરમાં રહેતી એક મહિલાની હત્યા કરવાના આરોપમાં તેના ગામના છ લોકો જેલની સજા કાપી રહ્યા છે. જોકે, હવે આ મહિલા જીવતી મળી આવી છે અને તેણે લગ્ન પણ કરી લીધા છે અને તે પોતાના પરિવાર સાથે અલીગઢમાં રહે છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે ૨૦૦૮મા આ મહિલા ગુમ થઈ હતી ત્યારે તેની ઉંમર ૧૪ વર્ષની હતી. તેના ગુમ થયાની ફરિયાદ કોટવાલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. થોડા દિવસો બાદ કાનપુર જિલ્લાના ઘટમપુર વિસ્તારમાંથી એક અજાણી યુવતીની લાશ મળી આવી હતી.

છોકરીની માતાએ તે લાશ પોતાની પુત્રીની હોવાનું કહ્યું હતું અને કોટવાલી પોલીસ સ્ટેશનમાં છ લોકો સામે અપહરણ અને હત્યાની ફરિયાદ દાખલ કરી હતી. તેની માતાએ સ્થાનિક પોલીસ પક્ષપાત કરતા હોવાની ફરિયાદ કરી હતી અને તેના કારણે કેસને સીબીસીઆઈડીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

આ કેસમાં મોટો વળાંક ત્યારે આવ્યો જયારે એ સ્થાનિક રાજકારણીની ફરિયાદના આધારે જલાઉં પોલીસે તે ગુમ થયેલી છોકરીને અલીગઢમાંથી શોધી કાઢી છે અને હાલમાં ૨૬ વર્ષની પરિણીત મહિલા થઈ ગઈ છે. પોલીસ તે મહિલાને કલ્પી લાવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મહિલાને થોડા સમયમાં કોર્ટમાં હાજર કરવામાં આવશે.

એક પોલીસ અધિકારીએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે, સીબીસીઆઈડીની તપાસ દરમિયાન ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી અને છ લોકોની ધરપકડ કરીને તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. ટ્રાયલ દરમિયાન ૨૦૧૨મા એક આરોપીનું મોત પણ થઈ ગયું છે. જયારે પાંચ અન્ય લોકોને જામીન પર મુકત કરવામાં આવ્યા છે.

સિનિયર અધિકારીઓએ જણાવ્યું હતું કે પાંચેય આરોપીઓ સામેનો હત્યાનો ગુનો હવે પડતો મૂકવામાં આવશે અને ટૂંક સમયમાં તેમને કલીન ચીટ આપી દેવામાં આવશે. હવે તે મહિલાને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવશે અને તેનું સ્ટેટમેન્ટ નોંધવામાં આવશે.

(11:44 am IST)