Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

ભારતે નોંધાવ્યો ઉગ્ર વિરોધ

પીઓકેને લઇને પાકિસ્તાનની નવી ચાલ : ગિલગિટ-બાલ્ટિસ્તાનને આપશે રાજયનો દરજ્જો

ઇસ્લામાબાદ,તા.૧૮:પીઓકેને લઇને પાકિસ્તાને નવી રણનીતિ અપનાવવાનો નિર્ણય કર્યો છે. જે મુજબ પાકિસ્તાનમાં ગિલગિટ-બાલ્ટિસ્તાનને રાજયનો દરજ્જો આપવામાં આવશે અને ચૂંટણી પણ યોજાશે. પાકિસ્તાનના પ્રધાન અલી અમીને એકસપ્રેસ ટ્રિબ્યુનને આ બાબત જણાવી છે. તો વળી ભારતે પણ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે કે ગિલગિટ-બાલ્ટિસ્તાન સહિત જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ વિસ્તાર તેનો છે અને પાકિસ્તાન ત્યાં ચૂંટણી યોજી શકે નહીં. અમીને જણાવ્યું છે કે સરકારે નિર્ણય કર્યો છે કે ગિલગિટ-બાલ્ટિસ્તાનને રાજયનો દરજ્જો આપવામાં આવશે.તેમણે કહ્યું કે વડાપ્રધાન ઇમરાન ખાન ટૂંક સમયમાં આ વિસ્તારની મુલાકાત લેશે અને ઔપચારિક જાહેરાત કરશે. તેમણે કહ્યું છે કે નેશનલ એસેમ્બલી અને સેનેટ સહિતના દરેક બંધારણીય એકમમાં આ ક્ષેત્રને પૂરતું પ્રતિનિધિત્વ આપવામાં આવશે. તમામ હોદ્દેદારો સાથે વાત કર્યા પછી, સંઘીય સરકારે નિર્ણય કર્યો છે કે ગિલગિટ-બાલ્ટિસ્તાનને બંધારણીય અધિકાર આપવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું છે કે નવેમ્બરમાં અહીં ચૂંટણી યોજાવામાં આવશે. ભારતે મે મહિનામાં પાકિસ્તાનને સ્પષ્ટપણે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ગિલગિટ-બાલ્તિસ્તાન સહિત પાકિસ્તાન અથવા તેનાં ન્યાયતંત્રની પાસે આ વિસ્તારો માટે અધિકાર નથી કે જેના પર તેણે બળજબરીથી અને ગેરકાયદે કબજો જમાવ્યો છે.

(11:40 am IST)