Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

કોરોના અંગેના વીમાઓની વધશે મુદત વેકસીન મળવામાં મોડું થતાં ઇરડાનો નિર્ણય

૨૮ લાખ લોકોએ લીધી છે કોરોના વીમા પોલિસી

નવી દિલ્હી,તા. ૧૮: કોવિડ-૧૯ના વધી રહેલા સંક્રમણ અને રસી આવવામાં થઇ રહેલા મોડાને ધ્યાનમાં રાખીને ઇરડાએ કોરોના સાથે સંકળાયેલી વીમા પોલિસીની મુદત વધારવાનો વિશ્વાસ દર્શાવ્યો છે. ઇરડાના ચેરમેન સુભાષ ખુંતિયાએ ગુરૂવારે સીઆઇઆઇના કાર્યક્રમમાં કહ્યું કે લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વધુ સારી પ્રોડકટો બજારમાં મુકાશે.

ભારતીય વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ (ઇરડા)ના ચેરમેન કહ્યું, કોરોના પોલિસીની નવી પ્રોડકટો વધુ ગુણવતા વાળી અને સમજવામાં સરળ હશે. સાથે જ વીમાધારકને વધુ દસ્તાવેજો જોડવાની જરૂર નહીં પડે' નિયામકના નિર્દેશ પર વીમા કંપનીઓએ ૧૦ જુલાઇએ કોરોના કવચ અને કોરોના રક્ષક પાલિસીઓ રજુ કરી હતી. અત્યાર સુધીમાં ૨૮ લાખ લોકોએ આ વીમો લીધો છે. જેમાં લગભગ ૧ લાખ કરોડની રકમ સંકળાયેલી છે. ખુંતિયાએ કહ્યું કે વર્તમાન કોરોના પોસિલીની મુદત સાડા ત્રણ મહિનાથી સાડા નવ મહિના સુધીની છે જેમાં મહત્વ પાંચ લાખનો વીમો મળે છે. રસી આવવામાં મોડુ થવાને ધ્યાનમાં રાખીને આ મુદત પણ વધારવામાં આવશે.

તેમણે કહ્યું કે, કોરોના અંગેના ૨,૩૮,૧૬૦ કલેઇનમાંથી ૧,૪૮,૨૯૮ કલેમ સેટલ થઇ ગયા છે. જેમાં કુલ ૧૪૩૦ કરોડ રૂપિયાની ચુકવણી થઇ છે. હજુ પણ સંક્રમણ વધતા કેસોને ધ્યાનમાં રાખીને ઇરડાની પુરી તૈયારી છે. અને વીમાધારકને જલ્દી પૈસા ચુકવવા માટે કંપનીઓને આદેશ અપાયા છે. એપ્રિલમાં વીમા બીઝનેશમાં ૧૯.૧ ટકાનો ઘટાડો થયો હતો. પણ ઓગસ્ટમાં આ ઉદ્યોગ ફરીથી પાટે ચડીને ૨.૧ ટકાનો વધારો મેળવી ચુકયો છે. આ દરમ્યાન જીવનવીમામાં ૨ ટકા અને જીવન વીમા સીવાયના વીમાઓમાં ૩.૬ ટકાનો વધારો થયો છે. આગામી ત્રણ વર્ષમાં વીમાક્ષેત્રમાં ૧૦ લાખ લોકોને રોજગાર મળશે.

(11:39 am IST)