Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

પવિત્ર ગંગામાં ડૂબકી મારનારાને કોરોના નહીં ?

ઘરના અન્ય લોકોને ચેપ લાગ્યો પણ ગંગાસ્નાન કરનારને નહિં : અભ્યાસ શરૂ

વારાણસી,તા.૧૭ :  ગંગામાં રોજ ડુબકી લગાવો એટલે કે સ્નાન કરો અને કોરોનાને ભગાડો. બનારસ હિન્દુ યુનિવર્સિટીના વરિષ્ઠ તબીબોએ આવો દાવો કર્યો છે. તેની સાથે બીએચયુના તબીબોની એક ટીમે આ દિશામાં જુદા-જુદા ઘાટ  પર સંશોધન કાર્ય પણ હાથ ધર્યું છે.

ગંગાજીના ઘાટ નિકટ રહેતા અને રોજ નદીમાં સ્નાન કરતા લોકોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. યુનિવર્સિટીના એક વરિષ્ઠ તબીબ પ્રોફેસર વી.એન. મિશ્રના કહેવા મુજબ ઔષધિય ગુણો ધરાવતું ગંગાજળ કોરોનાના ઈલાજમાં મદદરૂપ થઈ શકે છે.

હિમાલયના પહાડોમાંથી પ્રસ્થાન થઈ મેધાન વિસ્તાર સુધી પહોંચતી ગંગાજીના જળમાં ઔષધીઓનો વિશાળ ભંડાર છે. આ વાત અનેકવાર વિવિધ સંશોધનોમાં સામે આવી ચૂકી છે. ત્યારે કોરોનાકાળમાં એક નવીન સત્ય સામે આવ્યુ છે. તે મુજબ ગંગા કિનારે રહેનારા લોકોમાં જે રોજ નદીના જળમાં સ્નાન કરે છે, તેમના ઘરમાં અન્ય લોકો કોરોનાથી સંક્રમિત થયા, પરંતુ તેમને વાયરસની અસર થઈ નહીં. બીએચયુની ટીમ આ દિશામાં જ હાલ ડેટા એકત્ર કરીને સંશોધન કરી  સ્નાન કરનાર લોકોના સેમ્પલ લેવાની સાથે નદીના જળથી સ્નાનથી તેમની ઈમ્યુનિટીનો શો સંબંધ છે, તે જાણવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

હિમાલયના ગંગોત્રીથી વહેતી ગંગા નદીના નીર પહેલાંથી જ બેકરિયાફેઝ ઔષધિય ગુણોને જાળવી રાખે છે. ભારે હવે તેમાં વાયરોફેઝ પણ હોવાની વાત સામે આવી છે. નિષ્ણાતોના મત મુજબ ગંગાજીના ગુણકારી નીરમાં સ્નાન કરવાથી ખતરનાક ગણાતા વાયરસનો પણ ખાત્મો થઈ જાય છે. બીએચયુના તબીબોએ ગંગા જળમાંથી નોઝલ ડ્રોપ પણ બનાવ્યા છે અને જે હાલ ટેસ્ટીંગના તબક્કામાં છે. ત્યારે બીએચયુના સંશોધનના કેવા પરિણામ મળે છે, તેની પર સૌ કોઈની નજર છે.

(1:43 pm IST)