Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

કોરોનાએ રાજકોટ શહેર-જીલ્લામાં આજે વધુ ૨૫નો ભોગ લીધો

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર- જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી એક જ મૃત્યુની નોંધ

રાજકોટ, તા. ૧૮ : કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે રાજકોટ શહેર અને જીલ્લામાં સતત થઇ રહેલા મૃત્યુ વચ્ચે આજે એક જ રાતમાં અધધધ ૨૫  દર્દીઓનો ભોગ લેવાઇ જતાં હાહાકાર મચી ગયો છે.

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી એક જ મૃત્યુની નોંધ થઇ છે.

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૧૭નાં સવારે ૮ વાગ્યાથી તા.૧૮ને આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લાના ૨૫ દર્દીઓએ દમ તોડી દીધા હતો. દરેક સરકારી તંત્રો કોરોનાને મ્હાત કરવામાં વામણા સાબિત થઇ રહ્યા છે અને બીજી તરફ લોકોના જીવ તાળવે ચોટી ગયા છે.શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે. યુવાન અને આધેડ પણ કોરોનાને કારણે કાળનો કોળીયો બની રહ્યા છે. પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. લોકોએ જાતે જ સાવચેત રહેવું જરૂરી બન્યું છે.  આમ છતાં રાજકોટ સિવિલમાં કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુનો આંક ઓછો થતો ન હોઇ લોકોમાં જબરો ફફડાટ વ્યાપી ગયો છે.

(3:33 pm IST)