Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

અધધધ... ૩,૦૦,૦૦,૦૦૦ કેસ

વિશ્વભરમાં કોરોના કાળોકેર મચાવે છે : કુલ સંક્રમિતનો આંકડો ૩ કરોડ ઉપર : ૯.૫૦ લાખ લોકોને કોરોના ભરખી ગયો : શ્રીમંત દેશોએ બુક કરી લીધી ૫૦ ટકાથી વધુ વેકસીન :છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં ૯૬૪૨૪ નવા કેસ : ૧૧૭૪ના મોત : કુલ સંક્રમિતો ૫૨૧૪૬૭૮ : મૃત્યુઆંક ૮૪૩૭૨ : સાજા થયા ૪૧૧૨૫૫૨ : ૧૦૧૭૭૫૪ એકટીવ કેસ

નવી દિલ્હી તા. ૧૮ : વિશ્વભરમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. કોરોનાથી સંક્રમિતોની સંખ્યા ૩ કરોડને પાર કરી ગઇ છે અને અત્યાર સુધીમાં ૯.૫૦ લાખથી વધુ લોકોના મોત થયા છે. સતત બીજા દિવસે ૩ લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે. તે દરમિયાન ૫૪૩૨ લોકોના મોત થયા છે. જો કે આમાથી ૨ કરોડ ૨૦ લાખથી વધુ લોકો સાજા પણ થયા છે. દરમિયાન શ્રીમંત દેશોએ અત્યારથી ૫૦ ટકાથી વધુ વેકસીન બુક કરી લીધી છે. અમેરિકા, બ્રીટન, યુરોપીય સંઘ, ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, જાપાન, સ્વીઝલેન્ડ, ઇઝરાયલ વગેરેએ ૨.૭ અબજ વેકસીનની ડીલ કરી લીધી છે. આ વિકસીત અને શ્રીમંત દેશો એવા છે જ્યાં વિશ્વની ૧૩ ટકા વસ્તી રહે છે. વિશ્વમાં માત્ર ૪૦ દિવસમાં ૧ કરોડ લોકો સંક્રમિત થયા છે.

ભારતની વાત કરીએ તો ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૬૪૨૪ નવા કેસ સામે આવ્યા છે. એ દરમિયાન ૧૧૭૨ લોકોના મોત થયા છે. ભારતમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૫૨૧૪૬૭૮ની થઇ છે અને તેમાં ૧૦૧૭૭૫૪ એકટીવ કેસ છે. અત્યાર સુધીમાં ૪૧૧૨૫૫૨ દર્દીઓ સાજા થયા છે અથવા તો હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ભારતમાં અત્યાર સુધીમાં ૮૪૩૭૨ લોકોના મોત થયા છે.

વિશ્વના ૬૦ ટકા લોકોના મોત માત્ર ૬ દેશોમાં જ થયા છે. આ દેશ છે અમેરિકા, બ્રાઝીલ, મેકસીકો, ભારત, બ્રીટન, ઇટાલી છે. જેમાં અમેરિકા, બ્રાઝીલ, મેકસીકો અને ભારતમાં ૭૦ હજારથી વધુ સંક્રમિતોના મોત થયા છે. આ ચાર દેશોમાં કુલ ૪.૩૦ લાખ લોકોના જીવ ગયા છે. આ સંખ્યા વિશ્વમાં મોતના કુલ ૫૨ ટકા છે. ભારત વિશ્વમાં સૌથી વધુ સંક્રમિતના મામલામાં બીજા ક્રમે છે. એટલું જ નહિ સૌથી વધુ મોતના મામલે ત્રીજા ક્રમે છે. સાથોસાથ ભારત એવો બીજો દેશ છે જ્યાં સૌથી વધુ એકટીવ કેસ છે.

(2:42 pm IST)