Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

પુલવામાં જેવો હુમલો ટળ્યો

કાશ્મીરઃ પાણીની ટાંકીમાં આતંકીઓએ છુપાવ્યા હતા ૫૨ કિલો વિસ્ફોટકો

વિસ્ફોટકો જે જગ્યાએ મળી આવ્યા છે તેની નજીક જ ગત વર્ષે પુલવામાં આતંકવાદી હુમલો થયો હતો

નવી દિલ્હી, તા.૧૮: ભારતીય સેનાને ગુરુવારે કાશ્મીરના ગદિકલના કારેવા વિસ્તારમાં ૫૨ કિલો વિસ્ફોટકો મળી આવતા પુલવામા જેવા હુમલાને અટકાવ્યો હતો. આતંકીઓએ આ વિસ્ફોટકોને પાણીની ટાંકીમાં છુપાવ્યા હતા. ગત વર્ષે જે સ્થળે પુલવામા હુમલો થયો હતો તેની નજીકમાં આ વિસ્ફોટક મળી આવ્યા છે.

સેનાના અધિકારીઓએ જણાવ્યું છે કે વિસ્ફોટક નેશનલ હાઈવે નજીકથી મળી આવ્યા હતા. વિસ્ફોટકો જે જગ્યાએ મળી આવ્યા છે તેની નજીક જ ગત વર્ષે પુલવામા આતંકવાદી હુમલો થયો હતો, જેમાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થયા હતા. સેનાના એક અધિકારીએ કહ્યું કે, અમે પુલવામા જેવા બીજા હુમલાને ટાળી દીધો છે.

આર્મીને મળી આવ્યા વિસ્ફોટકો

અધિકારીઓએ જણાવ્યું કે, સર્ચ ઓપરેશન દરમિયાન સવારે આઠ વાગ્યે પાણીની ટાંકીમાંથી વિસ્ફોટકો મળી આવ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે, 'વિસ્ફોટકોના ૪૧૬ પેકેટ મળી આવ્યા હતા, જેનું દરેકનું વજન ૧૨૫ ગ્રામ છે' એક અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન અન્ય પાણીની ટાંકીમાંથી ડિટોનેટરો મળી આવ્યા હતા. તેમણે કહ્યું કે આ વિસ્ફોટકો 'સુપર-૯૦' અથવા 'એસ-૯૦' તરીકે ઓળખાય છે.

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ સીઆરપીએફના કાફલા પર મોટો હુમલો થયો હતો. પુલવામાના અવંતિપોરામાં આ હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થયા હતા. આ હુમલામાં, જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ આઈઈડીથી ભરેલી કારનો ઉપયોગ કર્યો હતો. પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.

(10:04 am IST)