Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

સુશાંત સિંહ રાજપૂતની હત્યા કે આત્મહત્યા? આ રહસ્ય પરથી ઉઠશે પડદોઃ આજે આવશે વિસેરા રિપોર્ટ

રિપોર્ટમાં સ્પષ્ટ થશે કે સુશાંતને ઝેર આપવામાં આવ્યુ હતું કે નહીં: રિપોર્ટ ૨૦ ટકા વિસેરાની તપાસ પર તૈયાર કરવામાં આવ્યો : એમ્સના ડોકટરોની પેનલ સુશાંતની મોતની હકિકત પર ફાઈનલ મીટિંગ કરશે

મુંબઇ, તા.૧૮: સુશાંત સિંહ રાજપૂતની મોતનું રહસ્ય ખુલવા જઈ રહ્યું છે. જેમાં એમ્સની ફોરેન્સિક ટીમ એકટરના મોતના કારણને લઈને ખુલાસો કરશે. આજે સુંશાંત સિંહ રાજપૂતના વિસેરાનો રિપોર્ટ આવશે. વિસેરા રિપોર્ટ મળ્યા બાદ એમ્સના ડોકટરોની પેનલ સુશાંતની મોતની હકિકત પર ફાઈનલ મીટિંગ કરશે. આ બેઠકમાં વિસેરા અને પોસ્ટમોર્ટમ રિપોટ પર વાત થશે.

વિસેરા રિપોર્ટમાં સ્પષ્ટ થશે કે સુશાંતને ઝેર આપવામાં આવ્યુ હતું કે નહીં. આ પહેલા કલીના ફોરેન્સિકે પોતાના રિપોર્ટમાં વિસેરા રિપોર્ટને નેગેટિવ ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ફરી સામે આવનારા આ રિપોર્ટ ૨૦ ટકા વિસેરાની તપાસ પર તૈયાર કરવામાં આવ્યો છે.  મુંબઈ પોલીસ ૮૦ ટકા વિસેરા પોતાની તપાસમાં વાપરી શકયા છે.

મીડિયા રિપોર્ટ મુજબ આ કેસમાં આગળની રણનીતિ નક્કી કરવા નૂપુર પ્રસાદ, અનિલ યાદવ અને અન્ય વરિષ્ઠ અધિકારીની વચ્ચે બેઠક કરવામાં આવશે. નૂપુર પ્રસાદ અને અનિલ યાદવ પોતાના વરિષ્ઠ અધિકારીઓને આ મામલે સાક્ષી અને ૨૨ ઓગસ્ટ સુધી દાખલ કરવામાં આવેલા નિવેદનો વિશે જાણકારી આપશે. એમ્સના ફોરેન્સિક એકસપર્ટ ડો. સુધીર ગુપ્તાના નેતૃત્વમાં એક પેનલ રવિવારે મહત્વની બેઠક કરશે. જેમાં સુશાંત સિંહ રાજપૂતની ઓટોપ્સી રિપોર્ટ અને વિસેરા રિપોર્ટ પર ચર્ચા થશે. આ બાદ આ પેનલ સુશાંતના મોત પર છેલ્લી સલાહ આપશે.

ઉલ્લેખનીય છે કે તેના પરિવારજનોનો આક્ષેપ છે કે તેમનો દિકરો સુસાઈડ ન કરી શકે. એકટરની હત્યા થઈ હોવાની શંકા વ્યકત કરી છે. તેના પિતાએ રિયાને હત્યા માટે જવાબદાર ગણાવી છે. આ રિપોર્ટ ખુબ મહત્વનો સાબિત થશે.

(10:03 am IST)