Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

સાઇબર હુમલા અથવા સર્જીકલ સ્ટ્રાઇક સામે નિપટવા ત્રણ નવી એજન્સીઓ રચાશે

આગામી છ મહિનામાં તેને કાર્યરત કરવાની સરકારની કોશિષ

નવી દિલ્હી તા. ૧૮: સર્જીકલ સ્ટ્રાઇક કરવા અને સાઇબર અને અંતરિક્ષ હુમલા સામે નિપટવા માટે આગામી કેટલાક મહિનામાં ત્રણ નવી સુરક્ષા એજન્સીઓ અસ્તિત્વમાં આવશે. ત્રણે સેનાઓની મદદથી રચાનારી આ એજન્સીઓના વડા સીધા ચીફ ઓફ ડીફેંસ સ્ટાફને રીપોર્ટ કરશે જેની નિયુકિત પણ વર્ષના અંત સુધીમાં થવાના અણસાર છે.

આ ત્રણ નવી એજન્સીઓમાં ડીફેન્સ સાઇબર એજન્સી, ડીફેન્સ સ્પેસ રિસર્ચ એજન્સી અને આર્ષ ફોર્સીસ સ્પેશ્યલ ઓપરેશન ડીવીઝન હશે. સરકારની કોશિષ છે કે આગામી છ મહિનામાં આ એજન્સીઓ કામ કરતી થઇ જાય. સુત્રોનું માનીએ તો આ એજન્સીઓને ડાયરેકટ સીડીએસને આધિન રાખવામાં આવશે.

પહેલાના પ્રસ્તાવ હેઠળ ચીફ ઓફ સ્ટાફ કમિટીના ચેરમેનને રિપોર્ટ કરશે પણ હવે સરકારે સીડીએસની નિમણુંકનો નિર્ણય કર્યો છે જે ત્રણે સેનાઓની ઉપર હશે. નવા પ્રસ્તાવ મુજબ ત્રણે એજન્સી સીધી સીડીએસ નીચે કામ કરશે.

ત્રણ નવી એજન્સીઓને સૈધ્ધાંતિક મંજૂરી અપાઇ ચુકી છે. લગભગ એક વર્ષ પહેલા વડાપ્રધાન મોદીએ સેનાઓની કમાંડર કોન્ફરન્સમાં આ એજન્સીઓની રચનાની મંજૂરી આપી હતી. હવે તેમની રચનાના પ્રયત્નો કરાઇ રહ્યા છે. આ ત્રણે એજન્સીઓનું હેડકવાર્ટર દિલ્હીમાં સેનાના હેડ કવાર્ટરમાં રહેશે. આ એજન્સીઓના હેડ તરીકે મેજર જનરલ અથવા લેફટેનન્ટ જનરલ રેન્કના અધિકારીને બનાવવામાં આવશે. આ એજન્સીઓમાં ત્રણે સેનાનું પ્રતિનિધીત્વ રહેશે.

આ એજન્સીઓની જરૂર ઘણા સમયથી ઉભી થઇ હતી. તેની રચના માટે કારગિલ રિવ્યુ કમિટીએ પણ ભલામણ કરી હતી. ડિફેન્સ એજન્સી સાઇબર સુરક્ષા અને સાઇબર યુધ્ધની તૈયારીને અંતિમ રૂપ આપશે અને આવા જોખમો સામે લડશે. જયારે ડીફેન્સ સ્પેસ રિસર્ચ એજન્સી અંતરિક્ષ યુધ્ધના પડકારો અને ઉપગ્રહોની સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓ જોશે. સ્પેશ્યલ ઓપરેશન ડીવીઝનમાં ત્રણે સેનાઓની મદદથી ખાસ ઓપરેશનોની તૈયારી કરવામાં આવશે. તેમાં સર્જીકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક જેવા ઓપરેશનોની તૈયારી અને અમલીકરણ સામેલ હશે.

(3:50 pm IST)