Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

પૂ.નમ્રમુનિ મ.સા.નો ૫૦મા જન્મદિને માનવતા મહોત્સવઃ ઉવસગ્ગહરં સ્ત્રોત સિધ્ધિ જપ સાધના

કોલકત્તાના નેતાજી ઈન્ડોર સ્ટેડીયમમાં રવિવાર તા.૨૯ના રોજ

રાજકોટ,તા.૧૮: ગરીબીમાં જીવી રહેલા હજારો સાધર્મિકો તેમજ મૂંગા, અબોલ અને નિઃસહાય એવા લાખો પશુ-પંખીઓને સહાય આપતો કરૂણાભીનો અવસર એટલે માનવતા મહોત્સવ!  રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવશ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના જન્મોત્સવ નિમિત્તે દર વર્ષે આયોજિત કરવામાં આવતા માનવતા મહોત્સવ એવમ્ શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રની મહામંગલકારી સિદ્ઘિદાયક જપ સાધનાનું આગામી તા.૨૯ રવિવારના દિવસે પારસધામ કોલકત્તાના ઉપક્રમે નેતાજી ઈન્ડોર સ્ટેડિયમમાં આયોજન કરવામાં આવેલ છે.

 મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રની રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવશ્રીના શ્રીમુખેથી બ્રહ્મ મંત્રોચ્ચારપૂર્વકના નાભિના નાદથી લયબદ્ઘ સ્વરૂપે કરાવવામાં આવતી  મહાફળદાયિની સિદ્ઘિદાયક જપ સાધના જયારે આખા વર્ષમાં માત્ર એક જ વાર આયોજિત કરવામાં આવે છે ત્યારે આ અવસરનો અમૂલ્ય લાભ આ વર્ષે કોલકાતાના સદભાગી ભાવિકોને પ્રાપ્ત થયો છે.

આ વર્ષે પૂજય ગુરૂદેવશ્રીના ૫૦મો જન્મોત્સવ પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે તા.૨૩ સોમવારે ‘Divine Fellowship ના ૧૧૫ અંધ બાળકો; તા.૨૪ મંગળવારે Kisholoy Institute of Mentally Retarded children ના  ૧૦૫ જેટલા મેન્ટલી રિટાર્ડેડ બાળકો; તા.૨૫ બુધવારે Aapon Ghar ના આશ્રમના ૧૦૦ જેટલા HIV પીડિત અને તા.૨૬ગુરૂવારે Save the Children Homeના અને Society of Child Rights ના  ૧૭૭ જેટલા અનાથ બાળકો અને ૩૫૦થી પણ વધારે સાધર્મિક પરીવારો સ્કૂલ કીટ અને ફૂડ પેકેટ્સ અર્પણ કરવામાં આવશે. કોલકાતાની આસપાસના વિસ્તારની ૫૦ જરૂરિયાતમંદ સંસ્થાઓને માતબર રકમનું દાન અર્પણ કરીને જીવદયાનુ એક મોટું કાર્ય પાર પાડવામાં આવશે. મુંબઈ, મહારાષ્ટ્ર, ગુજરાત, સૌરાષ્ટ્ર, તેમજ દક્ષિણ ભારતના અનેક ક્ષેત્રોમાં અર્હમ યુવા સેવા ગ્રુપના સભ્યો દ્વારા ગરીબોને ભોજન,  જરૂરિયાતમંદોને જરૂરી સહાય, અને પશુ-પંખી માટે ઘાસચારા તેમજ દાણા પાણી આપવા જેવી અનેકવિધ સત્પ્રવૃત્તિઓ દ્વારા પૂજય ગુરૂદેવશ્રીને જન્મદિવસની અભિવંદના અર્પણ કરવામાં આવશે.

સાથે જ, હર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજમાં પોતાની પ્રતિભાથી ઝળહળીને સેવા અને માનવતાના કાર્યોમાં પોતાનું અનન્ય યોગદાન આપનાર મહાનુભાવોને 'પરમ એવોર્ડ' થી સન્માનિત કરવામાં આવશે.

રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવશ્રીના પ્રારંભ થઈ રહેલા ૫૦માં જન્મોત્સવની ઉજવણી વિવિધ પ્રકારના આત્મકલ્યાણકારી અનુષ્ઠાનોના આયોજન સાથે એક વર્ષ સુધી નિરંતર કરવામાં આવનાર છે. માનવતા મહોત્સવનો સમગ્ર કાર્યક્રમ નેતાજી ઈન્ડોર સ્ટેડિયમ, ઈડન ગાર્ડન્સ, સ્ટ્રાન્ડ રોડ, કોલકાતા ખાતે સવારના ૮ કલાકથી રાખવામાં આવ્યો છે. આ અનન્ય લાભ લેવા ભાવિકોને પધારવા પારસધામ તરફથી ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

(3:24 pm IST)