Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

કેન્દ્રીય કર્મચારીઓ-અધિકારીઓની નિવૃત્તિ વય બદલવાની તૈયારી : સરકારે બનાવ્યા બે માપદંડ

પ્રથમ માપદંડમાં કર્મચારીએ 33 વર્ષની સેવા અને બીજા માપદંડમાં કર્મચારીની વય 60 વર્ષ

નવી દિલ્હી : સરકારી કર્મચારીઓ માટે આંચકો આપનારા સમાચાર બહાર આવ્યા છે. કેન્દ્ર સરકાર તેના અધિકારીઓ અને કર્મચારીઓની નિવૃત્તિ વય ઘટાડવાની તૈયારી કરી રહી છે. તૈયાર કરેલી દરખાસ્ત હેઠળ નિવૃત્તિની વય મર્યાદા નક્કી કરવા માટે બે માપદંડ રાખવામાં આવશે.
   પ્રથમ માપદંડમાં કર્મચારીએ 33 વર્ષની સેવા પૂર્ણ કરી હોય. બીજા માપદંડમાં કર્મચારીની વય 60 વર્ષની થઇ ગઇ હોય. સરકારના આ નિર્ણયની સૌથી વધુ અસર સુરક્ષા દળો પર પડશે. લશ્કરી અને અન્ય સુરક્ષા દળો સરેરાશ આશરે 22 વર્ષથી જોડાય છે, તેથી તેમની 33 વર્ષની સેવા 55 વર્ષમાં પૂર્ણ થશે.

આ નિર્ણય અંગે સરકારનું કહેવું છે કે આ નવી પહેલ નથી. વાસ્તવમાં સાતમા પગાર પંચમાં આ અંગે વાત કરવામાં આવી છે. સરકાર સેવા નિવૃત્તિની આ વ્યવસ્થા બેકલોગની મુશ્કેલીને દૂર કરવા માટે અમલમાં લાવવા માંગે છે. આમ કરવાથી નવી ભરતીઓનો રસ્તો મોકળો બનશે.જે કામદારો સમયસર બઢતી નહીં મળવાની ફરિયાદ કરતા હતા તેમની મુશ્કેલી દૂર શકશે.

  ડીઓપીટી સૂત્રો કહે છે કે આ દરખાસ્ત પર કામ શરૂ થઈ ગયું છે. લગભગ દરેક વિભાગમાં અધિકારીઓ અને કર્મચારીઓની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. આ યોજનાનો અમલ અનેક તબક્કામાં કરવામાં આવશે. તેની નાણાકીય જોગવાઈઓ વિશે એક અહેવાલ પણ બનાવવામાં આવી રહ્યો છે. નાણા મંત્રાલયની મંજૂરી બાદ નિવૃત્તિના નવા નિયમો આવતા નાણાકીય વર્ષથી લાગુ કરવામાં આવશે.

(1:40 pm IST)