Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

મોદીને મળેલી ૫૦૦ રૂપિયા કિંમતની આ Giftની એક કરોડમાં હરાજી થઈ!

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને આ સ્મૃતિચિન્હ પ્રાંતિજ મોદી સમાજ મંડળ તરફથી આપવામાં આવ્યું હતું

નવી દિલ્હી, તા.૧૮: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને મળેલી ભેટોની ઈ-હરાજી પ્રક્રિયામાં ચાંદીનો એક કળશ અને મોદીની તસવીરવાળું એક ફોટો સ્ટેન્ડ એક-એક કરોડ રૂપિયામાં વેચાયા. ખાસ વાત એ છે કે આ ફોટો સ્ટેન્ડની મૂળ કિંમત ૫૦૦ રૂપિયા હતી, જયારે કળશની કિંમત ૧૮ હજાર રૂપિયા હતી. આ બંને વસ્તુઓની હરાજી સોમવારે થઈ.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ભેટ સ્વરૂપે મળેલા સ્મૃતિ ચિન્હોની હરાજી માટે બનાવવામાં આવેલી વેબસાઇટમાં આ જાણકારી આપવામાં આવી છે. સંસ્કૃતિ મંત્રાલય વડાપ્રધાન મોદીને મળેલી ભેટ-ઉપહારોની ઈ-હરાજી આયોજિત કરી રહ્યું છે.કળશની બેઝ પ્રાઇઝ ૧૮,૦૦૦ રૂપિયા હતી અને તેની ૧,૦૦,૦૦,૩૦૦માં હરાજી થઈ.

ફોટો સ્ટેન્ડ પર ગુજરાતીમાં એક સંદેશ પણ લખેલો છે. વડાપ્રધાનને આ ભેટ પ્રાંતિજ મોદી સમાજ મંડળ તરફથી આપવામાં આવી હતી. મંત્રાલય દ્વારા સંચાલિત વેબસાઇટ www. pmmementos. gov.in પર તેને ૧,૦૦,૦૦,૧૦૦ રૂપિયામાં વેચવામાં આવી.

ગાય-વાછરડાની ધાતુની મૂર્તિની ૫૧ લાખ રૂપિયામાં હરાજી થઈ.

વેબસાઇટ પર રજૂ કરેલી જાણકારી મુજબ, કળશની બેઝ પ્રાઇઝ ૧૮,૦૦૦ રૂપિયા હતી અને તેની ૧,૦૦,૦૦,૩૦૦ રૂપિયામાં ઈ-હરાજી થઈ.

પીએમ મોદીના અન્ય સ્મૃતિ ચિન્હ જે ઊંચી કિંમતે વેચાઈ તેમાં પોતાના વાછરડાને દૂધ પીવડાવતી ગાયની ધાતુની મૂર્તિ સામેલ છે. તેની બેઝ પ્રાઇઝ ૧,૫૦૦ રુપિયા હતી. તેની ૫૧ લાખ રૂપિયામાં હરાજી થઈ.

નોંધનીય છે કે, ગત શનિવારથી શરૂ થયેલી ૨,૭૦૦થી વધુ સ્મૃતિ ચિન્હોની ઈ-હરાજી ૩ ઓકટોબર સુધી હાથ ધરવામાં આવશે.

(11:45 am IST)