Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

કેન્સર કે ન્યુરો સર્જરી કરાવનારા માટે હેલ્મેટ માથાનો દુઃખાવો બનીઃ મુકિતની માંગણી

હેલ્મેટ પહેરવાથી માથામાં હીટ પેદા થાય છે-બફારો થાય છેઃ મોઢાની સર્જરી કરાવનારના માથામાં હેલ્મેટ ફીટ બેસતી નથી

રાજકોટ, તા. ૧૮ :. ૧૬મીથી અમલી બનેલા ટ્રાફિકના નવા નિયમો અંતર્ગત શહેરી વિસ્તારોમાં પણ ટુવ્હીલર વાહનચાલકો માટે હેલ્મેટ પહેરવાનું ફરજીયાત બનતા જબરો ઉહાપોહ મચી ગયો છે અને આ કાળા કાયદામાં છુટછાટ આપવા માંગણી થઈ છે કે માત્ર હાઈવે પર જ હેલ્મેટ પહેરવાનું ફરજીયાત હોવું જોઈએ શહેરી વિસ્તારોમાં નહિ.

હેલ્મેટની હૈયાહોળી વચ્ચે ચારેકોર મુકિતની માંગણી ઉઠી છે. તેવે વખતે કુદરતની કઠોરતાનો ભોગ બનેલા કેન્સર અને ન્યુરો એટલે કે મગજની બિમારીથી પીડાતા લોકો-દર્દીઓએ માંગણી કરી છે કે તેમને વહેલામાં વહેલી તકે મુકિત કે છુટછાટ મળવી જોઈએ.

કેન્સરની સારવાર લેતા દર્દીઓ તથા મગજની વિવિધ પ્રકારની બિમારીઓથી પીડાતા લોકોનું કહેવું છે કે, અમારા માટે વાહન ચલાવતી વેળાએ હેલ્મેટ પહેરવાનું અસહ્ય બન્યુ છે. મોઢાનું કેન્સર હોય કે બ્રેઈનનું કેન્સર હોય તેવા દર્દીઓ કહે છે કે હેલ્મેટ પહેરવાથી અંદર ભારે ગરમાવો આવે છે જેના કારણે અમારી તકલીફ વધી જાય છે. આ માટે અમોને હેલ્મેટમાંથી મુકિત આપવી જોઈએ એટલું જ નહિ જે લોકોએ ગળા કે મોઢાના કેન્સરમાં સર્જરી કરાવેલ હોય તેમના માથામાં હેલ્મેટ ફીટ બેસતી પણ નથી તેથી આવા દર્દીઓએ પણ રાહતની માંગણી કરી છે.

કુદરતની ક્રૂરતાનો ભોગ બનેલાઓ પરત્વે સરકાર-પોલીસ તંત્ર-આરટીઓએ રહેમ રાખવી જોઈએ તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

(10:47 am IST)