Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

'૯૯' માર્કની આંધળી દોડ સમાપ્ત થશેઃ કોમન ટેસ્ટથી પ્રવેશ

કટ ઓફથી પ્રવેશ બંધ થશે સરકાર ટુંક સમયમાં કોમન ટેસ્ટ સીસ્ટમ લાવશેઃ ધો.૧૨ પછી પ્રવેશ માટે વિદ્યાર્થીએ અલગ અલગ કોલેજોમાં દોડવું નહિ પડેઃ વધુ માર્કના આધારે યુનિ./કોલેજોમાં પ્રવેશ બંધ થશેઃ કટ ઓફ સીસ્ટમને બદલે કોમન ટેસ્ટ જે યોજશે નેશનલ ટેસ્ટીંગ એજન્સી

નવી દિલ્હી, તા.૧૮: ધોરણ-૧૨ પછી કોલેજમાં પ્રવેશ મેળવવા માટે કટઓફ માકર્સથી પસંદગી થતી હોવાના કારણે ઘણાં વિદ્યાર્થીઓને ક્ષમતા હોવા છતાં પસંદગીની કોલેજ મળતી નથી. માટે હવે દેશની તમામ યુનિવર્સિટી અને કોલેજોમાં પ્રવેશ માટે એક કોમન ટેસ્ટ હશે. HDR મિનિસ્ટ્રી આ પ્રસ્તાવને જલદી અમલમાં લાવી શકે છે. તેને અંતિમ રુપ આપવા માટે કોઈ એક હાઈ લેવલ કમિટીની રચના થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોમન ટેસ્ટના સ્વરુપમાં મંજૂરી મળી ગઈ છે. અગાઉ પર એજયુકેશન પોલિસીના ડ્રાફટમાં આ બાબતનો ઉલ્લેખ થયો હતો.

આ પ્રસ્તાવ અનુસાર 'કોમન ટેસ્ટ એકઝામ' નેશનલ ટેસ્ટિંગ એજન્સી આયોજિત કરશે. તજજ્ઞોનું માનવું છે કે કોમન ટેસ્ટ થવા પર બોર્ડમાંથી નંબર મેળવવાની આંધળી દોડનો અંત આવશે. હાલમાં ૯૯% કરતા વધારે નંબર મેળવવાના ટ્રેન્ડ પર સવાલ ઉઠી રહ્યા છે. સરકારે પણ સંસદમાં ચિંતા વ્યકત કરી હતી કે આ બાબત સામાન્ય નથી. ચિંતા એ ઉઠી છે કે કટ-ઓફ માકર્સથી જગ્યાઓ એટલી જદલી ભરાઈ જાય છે કે યોગ્ય સ્ટુડન્ટ્સ પાછળ છૂટી જાય છે.

નવા પ્રસ્તાવ હેઠળ કોમન ટેસ્ટમાં પ્રદર્શનના આધારે વિદ્યાર્થીઓનું લિસ્ટ બનાવાશે. પછી કોલેજ પોતાની જરુરિયાતના હિસાબે સ્ટુડન્ટ્સને પ્રવેશ આપી શકે છે. મહત્વનું છે કે, નેશનલ ટેસ્ટિંગની રચના તમામ પ્રકારની પ્રવેશ પરીક્ષાની સિંગલ વિન્ડો સિસ્ટમ બનાવવા માટે કરાયો હતો. જેનાથી સંપૂર્ણ રીતે પ્રભાવિત થવાથી CBSE (સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન) અને AICTE (ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકિનકલ એજયુકેશન) ટેસ્ટની જવાબદારીથી મુકત થઈ જશે.

HRD મિનિસ્ટ્રી જલદી એજયુકેશન લોન લેનારા લોકોને મોટી રાહત આપી શકે છે. સરકાર આ લોન ચૂકવવાની સમય મર્યાદામાં વધારો કરી શકે છે. સૂત્રોનું માનીએ તો આ વખતે ઔપચારિક આદેશ જારી કરવામાં આવી શકે છે કે, લોન લેનારા લોકોને હપ્તા માટે વધુ સમય આપવામાં આવી શકે છે. પ્રસ્તાવ છે કે નોકરી મળ્યા પછી હપ્તા શરુ થશે. આ અંગે IIT દિલ્હીએ HRD પાસે પ્રસ્તાવ મોકલ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે HRD આ પ્રસ્તાવ પર સહમત છે અને તેના માટે નીતિ બનાવવામાં આવી રહી છે.

(10:46 am IST)