Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

વિપક્ષ અને વ્‍યવસ્‍થાનો સાક્ષી છે, જ્યારે કાશીને ભગવાન ભરોસે મુકી દીધુ હતુઃ જન્મદિવસના બીજા દિવસે પોતાના મતક્ષેત્ર વારાણસીની મુલાકાતે નરેન્‍દ્રભાઇ મોદી

વારણસીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના જન્મદિવસના બીજા દિવસે મતક્ષેત્ર વારાણસીની મુલાકાત લીધી હતી. વારાણસીમાંથી સંબોધન કરતા મોદીએ પોતાના શાસકાળનો હિસાબ આપીને વિપક્ષ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. મોદીએ જણાવ્યું હતું કે, વારાણસીમાં 550 કરોડ રૂપિયાથી વધારે રકમના પ્રોજેક્ટનું લોકાર્પણ થયું છે અથવા શિલાન્યાસ થયો છે. વિપક્ષ એ વ્યવસ્થાનો સાક્ષી છે જ્યારે કાશીને ભગવાન ભરોસે મૂકી દેવામાં આવ્યું હતું. મોદીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક પ્રજાલક્ષી યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. વારાણસીમાં રસ્તા, ગેસ, એલઈડી, વાયુસેવા માટે થયેલા કામનો ચિતાર રજૂ કર્યો હતો. મોદીએ સ્પષ્ટ કર્યું કે, એક વડા પ્રધાન તરીકે જ નહીં પણ વારાણસીના સાંસદ તરીકે પણ તેઓ પોતાની જવાબદારીઓને સમજે છે.

મોદીએ ઉમેર્યું કે, માત્ર વારાણસી શહેર જ નહીં પણ વિકાસના કામ સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારો પણ જોડાયેલા છે. વારાણસીમાં કરોડો રૂપિયાની સડક યોજના કાર્યરત છે. મડુંવાડીહ ફ્લાય ઓવરનું કામ સમાપ્ત થઇ ગયું છે. ગંગા નદી પર તૈયાર થતા પૂલનું કામ પૂર્ણ થવાથી રામનગર સુધીનું આવન-જાવન સરળ બન્યું છે. દાયકાઓથી રસ્તાઓ પહોળા કરવાનું કામ અટવાયું હતું. જે પૂર્ણ કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશમાં અગાઉની સરકારે કોઇ પ્રોજેક્ટને વેગ આપ્યો જ નથી. રિંગરોડનું કામ ફાઇલમાં ઘૂળ ખાઈ રહ્યું હતું. વર્ષ 2014માં અમે કામ શરૂ કર્યું. રાજ્યમાં યોગી સરકાર આવતા વિકાસના કામ ઝડપથી પૂરા થયા છે.

બિહાર, નેપાળ, ઝારખંડ અને મધ્ય પ્રદેશ તરફના રસ્તાઓને વધુ પહોળા કરવામાં આવી રહ્યા છે. નેશનલ હાઇવે 7ના માઘ્યમથી વારાણસીથી સુલતાનપુર, ગોરખપુર, હંડિયા સુધીના રસ્તાઓ માટે 1000 કરોડ રૂપિયા સુધીની ફાળવણી કરવામાં આવી છે. પૂર્વ ભારતના ગેટવે તરીકે વારાણસીનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. વારાણસીના એરપોર્ટ પર આવનારા યાત્રીઓ વારાણસીના વિકાસના સાક્ષી છે. ફ્લાઇટથી વારાણસી આવનારા લોકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.

શહેરમાં લટકતા વીજળીના વાયરો ગાયબ થઇ રહ્યા છે. અમુક જગ્યાઓ પર વીજળીના લટકતા તારને જમીનની નીચે મૂકવાની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે. જૂની કાશીને વીજળીના લટકતા વાયરમાંથી મુક્ત કરવાનું કામ ચાલુ છે. નવા સબ સ્ટેશનની મદદથી ઓછા વોલટેજની સમસ્યામાંથી છૂટકારો મળશે. એલઈડી બલ્બની મદદથી અજવાશમાં વધારો થયો છે અને વીજખર્ચ ઘટી ગયો છે. આ રીતે કરોડો રૂપિયાની બચત કરવામાં આવી છે.

ટ્રેનથી આવતા મુસાફરોને હવે રેલવે સ્ટેશન પરથી પણ કાશીના વિકાસનું ચિત્ર દેખાઇ રહ્યું છે. વારાણસીને છપરા અને અલ્હાબાદ સુધી જોડવા માટે ડબલ ટ્રેકનું કામ ચાલી રહ્યું છે. વારાણસીથી નવી દિલ્હી, વડોદરા અને પટના સુધી અદ્યતન સુવિધાઓ ધરાવતી ટ્રેન દોડાવવામાં આવી છે. આ ઉપરાંત દેશના અન્ય ભાગ સાથે વારાણસીને જોડવા પણ રેલ ક્નેક્ટિવિટીમાં વધારો કરવામાં આવ્યો છે. જ્યારે કાશીમાં ટ્રાફિક વ્યવસ્થાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. ઈન્ટિગ્રેટેડ કમાન્ડ સેન્ટરની મદદથી શહેરની તમામ સુવિધાઓ પર નજર રાખવામાં આવી રહી છે.

સામાન્ય રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મિત્રો અથવા દેશવાસીઓ કહીને પોતાના સંબોધનની શરૂઆત કરતા હોય છે. પરંતુ, આ વખતે તેમણે પોતાના ભાષણની શરૂઆતમાં હર હર મહાદેવનો નાદ કર્યો હતો. બનારસ હિન્દુ યુનિવર્સિટીના હોલમાં આવેલા લોકોએ પણ આ નાદને ઝીલીને મોદીનો સાથ આપ્યો હતો.

(5:14 pm IST)